માર્ચ સુધીમાં પાન-આધાર લિન્ક ના કર્યું તો રૂ. 10,000નો દંડ

નવી દિલ્હીઃ તમે 31 માર્ચ, 2020ની સમયમર્યાદા સુધી તમારા PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક નહીં કર્યું હોય તો એ પછી નિષ્ક્રિય PAN નંબરનો ઉપયોગ કરવા બદલ આવકવેરા વિભાગે તમારા પર રૂ. 10,000નો દંડ લગાડી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યો છે કે આધારથી લિન્ક નહીં કરાવવા બદલ PAN કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. આ ઉપરાંત આઇટી વિભાગે નવું નોટિફિકેશન જાહેર કરતાં કહ્યું હતું કે આવા PAN કાર્ડ હોલ્ડર્સને PANથી જોડાયેલી માહિતી નહીં ભરવા બદલ આવકવેરાની જોગવાઈ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ટેક્સ નિષ્ણાતના જણાવ્યા મુજબ PAN કાર્ડથી સંકળાયેલી ખોટી માહિતી આપવા બદલ રૂ. 10,000નો દંડની જોગવાઈ છે. આવી લેવડદેવડમાં પેન કાર્ડથી જોડાયેલી માહિતી ભરવી અનિવાર્ય છે. આ સાથે PAN કાર્ડની માહિતી નહીં આપવા પર પણ તમને દંડ લાગી શકે છે.

જોકે તમે PANને આધાર કાર્ડ સાથે લિન્ક કરી લો છો તો PAN સક્રિય થઈ જાય છે અને લિન્કિંગની તારીખથી તમને કોઈ પણ પ્રકારનો દંડ ભરવો નહીં પડે. વળી આધારથી લિન્ક નહીં કરાવવા બદલ જે લોકોનાં PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયાં હોય, તે લોકો ધ્યાન રાખે કે નવા PAN કાર્ડ માટે અરજી ના કરે, કેમ કે આધાર લિન્કની સાથે જૂનું PAN કાર્ડ પણ સક્રિય થઈ જશે.

PAN કાર્ડ-આધાર કાર્ડ લિન્કિંગની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 છે. આ પહેલાં સરકારે આ બંને દસ્તાવેજોને લિન્ક કરાવવાની ડેડલાઇન ઘણી વાર વધારી ચૂકી છે.