ભારત ‘ઈન્ડિયા’ નામ છોડે તો પાકિસ્તાન એને માટે દાવો કરી શકે?

મુંબઈઃ દેશનું નામ ‘ઈન્ડિયા’ બદલીને ‘ભારત’ કરવાની ચર્ચા ચાલુ છે. ભારતના બંધારણની કલમ ૧માં ભલે બેઉ નામ વાપરવામાં આવે છે, પરંતુ આ મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ થયો છે. બંધારણની કલમ ૧માં લખ્યું છે કે, ‘ઈન્ડિયા એટલે કે ભારત, જે રાજ્યોનો સમૂહ હશે.’ બંધારણમાંથી ‘ઈન્ડિયા’ શબ્દ હટાવી દઈને માત્ર ‘ભારત’નો જ ઉલ્લેખ કરવાની માગણી કરતી એક અરજીને 2020ના જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ હવે એ જ માગણી ફરી કરવામાં આવી છે.

પાકિસ્તાન કઈ રીતે કરી શકે ‘ઈન્ડિયા’ નામ પર દાવો?

આ પ્રકરણ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી. કહેવાય છે કે, જો ભારત ઈન્ડિયા શબ્દનો ત્યાગ કરશે તો પડોશી દેશ પાકિસ્તાન એ નામ પર દાવો કરી શકે છે. ‘સાઉથ એશિયા ઈન્ડેક્સ’ નામના એક ટ્વિટર હેન્ડલે પાકિસ્તાની મીડિયાનો હવાલો આપીને લખ્યું છે કે, ‘જો ભારત સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સ્તરે પોતાનું ઈન્ડિયા નામ સત્તાવાર રીતે છોડશે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. પાકિસ્તાનના રાષ્ટ્રવાદી લોકો છેલ્લા અનેક વર્ષોથી એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે ઈન્ડિયા નામ પર પાકિસ્તાનનો અધિકાર છે, કારણ કે આ શબ્દ પાકિસ્તાનના સિંધુ ક્ષેત્ર (ઈન્ડસ રીજન)માંથી ઉત્પન્ન થયો છે.’

ભારતને આઝાદી મળી એ પછી એક મહિના બાદ, એટલે કે સપ્ટેમ્બર, 1947માં ભારતના પહેલા વાઈસરોય લુઈસ માઉન્ટબેટને પાકિસ્તાનના સર્જક મોહમ્મદ અલી જિન્નાને ડોમિનિયન્સ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન નામક એક કલા પ્રદર્શનમાં હાજર રહેવા માટે માનદ્દ અધ્યક્ષપદ માટે આમંત્રિત કર્યા હતા. તે નિમંત્રણ પત્રિકામાં હિન્દુસ્તાનને બદલે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ કરાયો હતો. એ વખતે જિન્નાહે તે નામ પર આક્ષેપ કર્યો હતો. એમણે માઉન્ટબેટનને પત્ર લખીને કહ્યું હતું કે આ બહુ જ કમનસીબ છે કે કોઈક રહસ્યમય કારણને લીધે હિન્દુસ્તાને ઈન્ડિયા શબ્દ સ્વીકાર્યો છે, જે ચોક્કસપણે ગૂંચવણ પેદા કરનારું છે.

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં યોજાનાર આગામી G20 શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મોકલવામાં આવેલી નિમંત્રણ પત્રિકા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. એને કારણે ભારતમાં રાજકીય ઉહાપોહ મચી ગયો છે. વિરોધપક્ષોએ આક્ષેપ કર્યો છે કે મોદી સરકાર દેશના બે નામમાંથી ઈન્ડિયા શબ્દ કાઢવાનો પ્રયત્ન કરી રહી છે.