નવી દિલ્હીઃ લગ્નજીવનમાં સંબંધ સુધરવાની કોઈ શક્યતા ન દેખાય અને પતિ-પત્ની અલગ થવા દ્રઢનિશ્ચયી હોય તો એવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટ તાત્કાલિક છૂટાછેડા મંજૂર કરશે. એ માટે ફેમિલી કોર્ટમાં જઈને છ મહિના કે દોઢ વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે.
ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલે એમના અધ્યક્ષપદ હેઠળની બેન્ચ સમક્ષ આવેલા 2016ની સાલ જૂના એક કેસની સુનાવણી કરી હતી. એમની સાથે ખંડપીઠ પર અન્ય ન્યાયમૂર્તિઓ હતાઃ સંજીવ ખન્ના, એ.એસ. ઓકા, વિક્રમ નાથ અને એ.કે. મહેશ્વરી. એમણે કહ્યુ કે કલમ-142 અંતર્ગત બંને પક્ષને ન્યાય મળે એવો કોઈ પણ આદેશ આપવાનો સર્વોચ્ચ અદાલતને છે. દંપતીમાં સંબંધ સુધરવાની કોઈ શક્યતા ન હોય તો છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં જઈને છ મહિનાથી લઈને 18 મહિના સુધી રાહ જોવાની જરર નથી. સુપ્રીમ કોર્ટ તાત્કાલિક છૂટાછેડા આપી દેશે.
