રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓને ગોળી મારવાનો રેલવે પ્રધાને આદેશ આપ્યો

હુબલી – નાગરિકતા (સુધારા) કાયદાના મામલે હાલ દેશભરમાં વિરોધ ચાલુ છે ત્યારે રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે એમણે રેલવે અધિકારીઓને આદેશ આપ્યો છે કે જે કોઈ વ્યક્તિ રેલવેની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે એને ‘દેખતાં જ ઠાર કરવી’.

ગઈ કાલે અહીં એક કાર્યક્રમ દરમિયાન મિડિયા સાથેની વાતચીતમાં અંગડીએ કહ્યું કે મેં એક પ્રધાન તરીકે સંબંધિત જિલ્લા અધિકારીઓ તથા રેલવેના સત્તાવાળાઓને કડક ચેતવણી આપી છે અને આદેશ આપ્યો છે કે જે કોઈ વ્યક્તિ રેલવે સહિત જાહેર સંપત્તિનો નાશ કરતી દેખાય કે તરત જ એને ગોળી મારી દેવી.

નાગરિકતા સુધારા કાયદા (CAA) સંબંધિત વિરોધી દેખાવોને લીધે રેલવેની પ્રોપર્ટીને નુકસાનમાંથી બચાવવા તમે શું પગલાં લીધા છે? એવા પત્રકારના સવાલના જવાબમાં અંગડીએ ઉપર મુજબ કહ્યું હતું.

અંગડી કર્ણાટકના બેલગાવીમાંથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે CAAની વિરુદ્ધમાં બંગાળ સહિત અનેક રાજ્યોમાં હિંસક આંદોલન ચાલી રહ્યા છે.

અંગડીએ કહ્યું કે રેલવે સેવા સામાન્ય જનતાએ કરવેરા રૂપે ચૂકવેલા પૈસાથી ચાલે છે અને એક ટ્રેન બનાવતા અનેક વર્ષો લાગે છે. જે કોઈ પથ્થરમારો કરે એની સામે કડક પગલાં લેવા જોઈએ. અમુક લઘુમતી કોમનાં લોકો અને સમુદાયનાં લોકો કારણવગર દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. કેટલાક અસામાજીક તત્ત્વો કોંગ્રેસ જેવા વિપક્ષોના ટેકા સાથે દેશમાં સમસ્યા ઊભી કરી રહ્યા છે.