જયપુર – વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સુખરૂપ સ્વદેશ રવાના કરી દીધા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેની તંગદિલી થોડીક હળવી જરૂર થઈ છે, પરંતુ આજે એક પાકિસ્તાની માનવરહિત અવકાશી વાહન (UAV) રાજસ્થાન સરહદમાં ઘૂસી આવ્યું હતું અને ભારતીય હવાઈ દળના સુખોઈ વિમાન (Su-30 MKI) વિમાને એને તોડી પાડ્યું હતું. આ ઘટના સોમવારે સવારે રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર નાલ સેક્ટરમાં બની હતી.
સોમવારે સવારે 11.30 વાગ્યે પાકિસ્તાની ડ્રોને ભારતની સીમાનું ઉલ્લંઘન કર્યું હતું.
એ ડ્રોનને ભારતીય એર ડિફેન્સ રડારે પકડ્યું હતું.
સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા UAVમાં અત્યાધુનિક કેમેરા લગાડવામાં આવ્યા હતા. તે ઊંચાઈ પર જઈને તસવીરો પાડીને રિયલ ટાઈમ ફોટો ઉપલબ્ધ કરાવે છે.
ભારતીય સત્તાવાળાઓએ આને જાસુસીના પ્રયાસ તરીકે ગણ્યો છે.