I.N.D.I.A. ગઠબંધનમાં એક સાંધતાં 13 તૂટેની હાલત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી, 2024ની તૈયારીઓમાં લાગેલા વિરોધ પક્ષો ફરી એક વાર તૂટતા દેખાઈ રહ્યા છે. I.N.D.I.A. ગઠબંધનમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવો ઘાટ છે. ક્યારે કોંગ્રેસ સાથી પક્ષો પર હુમલા કરી રહી છે તો ક્યારેક અન્ય વિરોધ પક્ષ કોંગ્રેસ તરફ લાલ આંખ કરી રહી છે. હવે TMC પ્રમુખ મમતા બેનરજી અને શિવસેનાએ કોંગ્રેસને તેવર બતાવ્યાં છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન દેશમાં થશે, પરંતુ બંગાળમાં TMC એકલી લડશે અને ભાજપને હરાવશે. તેમણે કહ્યું હતું કે બંગાળમાં માત્ર TMC જ ભાજપને પાઠ શીખવાડી શકે એમ છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધનમાં સીટોની વહેંચણીને મુદ્દે શિવસેનાએ પણ તેવર બતાડ્યા છે.મુખ્ય પ્રધાન મમતાએ ભાજપ પર રાજકીય લાભ માટે નાગરિકતા મુદ્દે હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીને મુદ્દે I.N.D.I.A. ગઠબંધનમાં ઘર્ષણ થવાની વકી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 23 સીટોની માગ કરી છે, જેને કોંગ્રેસે ના પાડી દીધી છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સૌથી મોટી પાર્ટી છે અને કોંગ્રેસે ઝીરોથી શરૂઆત કરવી પડશે. વાસ્તવમાં સંજય નિરુપમે શિવસેનાને તૂટેલી પાર્ટી જણાવ્યા પછી સંજય રાઉતનું નિવેદન આવ્યું છે.

આ પહેલાં સપાએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. SP પ્રમુખે ગઠબંધનમાં સીટ શેરિંગમાં વિલંબ થવા બદલ કોંગ્રેસ પર છેતરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે BSPના ગઠબંધનમાં સામેલ થવા મુદ્દે SPએ નારાજગી દર્શાવી હતી.