નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં બનેલા હળવા દબાણના ક્ષેત્રમાંથી પેદા થયેલું નિવાર વાવાઝોડું રૌદ્ર રૂપ ધારણ કરીને તામિલનાડુ અને પુડુચેરીના તટે 26 નવેમ્બરે સવારે 2.30 કલાકે ટકરાયું હતું. આને લીધે કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જોકે આ વાવાઝોડું તટ પર ટકરાયા પછી નબળું પડી ગયું હતું. હવાની ઝડપ પણ પ્રતિ કલાક 100થી 110 કિલોમીટરની રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ વાવાઝોડાથી પડેલા વરસાદને લીધે ચેન્નઈમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં.
‘નિવાર’ વાવાઝોડાને કારણે 1.45 લાખથી વધુ લોકોને 1516 શિબિરોમાં રાખવામાં આવ્યા છે. આ તોફાનને જોતાં દક્ષિણ-પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનોને રદ કરી દીધી છે. ચેન્નઈથી ગુરુવારે સવારે સત કલાકથી વિમાનોના સંચાલનની કામગીરી બંધ કરવામાં આવી છે. રેલવેએ કહ્યું હતું કે જે ટ્રેનો રદ કરવામાં આવી છે, એ પેસેન્જરોને તેમનાં ભાડાં પરત કરવામાં આવશે. તામિલનાડુમાં ‘નિવાર’ વાવાઝોડાને લીધે 13 જિલ્લાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. આ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાને લીધે વીજપુરવઠો સ્થગતિ કરવામાં આવ્યો છે.
એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને જણાવ્યું હતું કે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં આશરે 1200 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે, જેમાં 12 ટીમો તામિલનાડુમાં, સાત આંધ્ર પ્રદેશમાં અને ત્રણ પુડુચેરીમાં તહેનાત કરવામાં આવી છે.
