ભુવનેશ્વરઃ બંગાળની ખાડી ઉપર બનેલા ‘અસાની’ વાવાઝોડાએ ગંભીર રૂપ લેવાની સાથે ભીષણ ચક્રવાતી તોફાનમાં તબદિલ થયું છે. ‘અસાની’ વાવાઝોડું પ્રતિ કલાક 25 કિલોમીટરની ઝડપે તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશા તરફ વધી રહ્યું છે. જોકે આગામી બે દિવસોમાં એ ધીમે-ધીમે નબળું પડવાની અપેક્ષા છે. આ વાવાઝાડાની અસર રૂપે નવ જિલ્લા (ગાજાપટ્ટી, ગંજમ, પુરી, ખોર્ધા, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભાદ્રક અને બલસોર)માં 10-12 મેએ ભારે વરસાદની આશંકા છે.
હવામાન વિભાગે એક વિશેષ બુલેટિનમાં જણાવ્યું હતું કે સવારે સાડાપાંચ કલાકે ચક્રવાતી વાવાઝોડું વિશાખાપટ્ટનમથી આશરે 550 કિલોમીટર દક્ષિણ-પૂર્વ અને પુરીથી 680 કિલોમીટર –ક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું.
આગામી પાંચ દિવસ પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 10-12 મેએ અરુણાચલ પ્રદેશ અને 9-12એ આસામ-મેઘાલય અને મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. IMDના અનુમાન મુજબ ઉત્તર-મધ્યમ મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની આશંકા છે, જ્યારે નવથી 12 મેએ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અને દક્ષિણ હરિયાણા, દિલ્હી અને દક્ષિણ પંજાબમાં 10-12 મેએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આશંકા છે.
વિભાગના જણાવ્યાનુસાર 10 મેએ સાંજે ઓડિશા અને ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશની આસપાસનાં ક્ષેત્રોમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે, જ્યારે 11 મેએ તટીય ઓડિશા, ઉત્તરીય આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં તટીય ક્ષેત્રોમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે ઓડિશાના તટીય વિસ્તારોમા પ્રતિ કલાક 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની વકી છે.