નવી દિલ્હી – એક મહત્ત્વના નિર્ણયમાં, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશભરમાં નવી શાળાઓમાં CBSE સંલગ્ન પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાન વધારે મળે એની પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ જાહેરાત કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે અહીં શાસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદમાં કરી હતી.
જાવડેકરે કહ્યું હતું કે શાળાઓને સીબીએસઈ સંલગ્ન પ્રક્રિયા આપતી વખતે સીબીએસઈ સંસ્થાએ ઘણા ફેરફારો કર્યા છે. રાજ્ય અને કેન્દ્રીય સ્તરે એનઓસીનું બિનજરૂરી ડુપ્લિકેશન થતું રોકવા માટે આમ નક્કી કરાયું છે. હાલ દેશમાં સીબીએસઈ સાથે 20,700 શાળાઓ સલંગ્ન થયેલી છે. નવી શાળાઓ શરૂ કરવા માટે બોર્ડને દર વર્ષે બેથી અઢી હજાર અરજીઓ આવે છે. સીબીએસઈ સંચાલનમાં ઝડપ, પારદર્શિતા લાવવા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સુવિધા લાવવા માટે સીબીએસઈ એફિલિએશન બાયલોઝમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે સીબીએસઈ સંલગ્નતા માટેના ફોર્મનું નિરીક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી કરશે.
જાવડેકરે વધુમાં કહ્યું કે, એફિલિએશન મેરિટના ધોરણે મંજૂર કરવામાં આવશે. હાલ દેશમાં 10 લાખ જેટલા સીબીએસઈ શિક્ષકો અને આશરે બે કરોડ જેટલા વિદ્યાર્થીઓ છે.
સીબીએસઈ બોર્ડ તમામ શાળાઓને જણાવી રહ્યું છે કે શાળાઓમાં રમતગમતને ફરજિયાત બનાવવામાં આવે.
તદુપરાંત, સીબીએસઈ શાળાઓએ ફીનું વર્ગીકરણ ફરજિયાત ઘોષિત કરવાનું રહેશે. શાળાઓ કોઈ પણ પ્રકારનો છુપો ચાર્જ વસુલ કરી શકશે નહીં. જે શાળાઓ આ નિયમોનું પાલન નહીં કરે એમનું એફિલિએશન રદ કરી દેવામાં આવશે.