નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લિકર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી છે. આ પહેલાં દિલ્હી LG વિનયકુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે EDને સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલાં મંજૂરી લેવાની રહેશે.
કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે મારી અને અન્યની સામે EDની ચાર્જશીટ ગેરકાયદે છે, કારણ કે ફરિયાદ નોંધતાં પહેલાં અધિકારીઓએ પૂર્વ પરવાનગી નહોતી લીધી. ડિસેમ્બર 2024માં EDએ LGને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરીની માગ કરી હતી. જેમાં લિકર કૌભાંડ મામલે કેજરીવાલ ‘કિંગપિન અને પ્રમુખ ષડયંત્રકાર’ જણાવવામાં આવ્યું હતું.તાજેતરમાં હાઈકોર્ટે કેગ રિપોર્ટ પર ચર્ચામાં મોડું થતાં દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ-જજ બેન્ચે કહ્યું હતું કે CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે, તેથી દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું બંધ કરી દીધું છે.
ભાજપે CAG રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે લિકર કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થયું હતું. ભાજપે દાવો કર્યો કે દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચ મળી છે.
હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે CAG રિપોર્ટ પર જે પ્રકારે તમે તમારા પગ પાછા ખેંચી લીધા છે, તેનાથી તમારી પ્રામાણિકતા પર શંકા ઊભી થાય છે. હાઈકોર્ટે આગળ ભાર આપતાં કહ્યું હતું કે રિપોર્ટ તુરંત સ્પીકરને મોકલવો જોઈતો હતો અને તેના પર ગૃહમાં ચર્ચા શરૂ થવી જોઈતી હતી.
શું છે લીકર કૌભાંડ?કેજરીવાલ સરકારે એક્સાઇઝ પોલિસી 17 નવેમ્બર, 2021એ લાગુ કરી હતી. નવી પોલિસી હેઠળ દારૂના વેપારથી સરકાર બહાર આવી ગઈ અને બધી દુકાન ખાનગી હાથમાં જતી રહી. દિલ્હી સરકારનો દાવો હતો કે નવી લિકર નીતિથી માફિયા રાજ ખતમ થશે અને સરકારના મહેસૂલમાં વધારો થશે. જોકે આ નીતિ શરૂથી વિવાદમાં રહી અને જ્યારે હોબાળો વધ્યો તો 28 જુલાઈ, 2022એ સરકારે એ રદ કરી દીધી. આ લિકર કૌભાંડનો ખુલાસો 8 જુલાઈ, 2022એ દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિન નરેશ કુમારના રિપોર્ટથી થયો હતો. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી.