નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની સામે સંયુક્ત કિસાન મોરચાનું 378 દિવસોથી જારી રહેલું આંદોલન પૂરું થઈ ગયું છે. કેન્દ્રની આ મોટી સફળતાનું શ્રેય ગૃહપ્રધાન અમિત શાહની વ્યૂહરચનાને જાય છે. વડા પ્રધાન મોદીએ નવેમ્બરના પહેલા સપ્તાહમાં શાહને આંદોલન ખતમ કરવાની જવાબદારી સોંપી હતી અને તે સતત પડદા પાછળથી પોતાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા હતા. શાહ મહાસભાના મહાસચિવ યુદ્ધવીર સિંહ દ્વારા સતત સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં રહેતા હતા.
કૃષિ કાયદાઓના પરત ખેંચ્યા પછી સરકારને વિવાદને જલદી પતાવવા ઇચ્છતી હતી. સરકારની વ્યૂહરચના એવી હતી કે આંદોલન ના માત્ર પૂરું થાય, બલકે નારાજ ખેડૂતો પણ સંતુષ્ટ થાય. એના માટે વળતર આપવાનું, કેસ પરત લેવા અને વીજ કાયદામાં સમજૂતી અને MSP પર કાયદાની ગેરન્ટીનો મામલો કમિટી સમક્ષ મોકલવા માટે વિવિધ પ્રસ્તાવ આપ્યા હતા. આ પ્રસ્તાવની જોગવાઈ પર ખેડૂત સંગઠનોના વાંધાને શાહે વ્યક્તિગત રીતે ઉકેલ્યા હતા.
ખેડૂતોના આંદોલનને મુદ્દે કોઈ સમાધાન નહીં નીકળતાં શાહે પડદા પાછળ રહીને વ્યૂહરચના બનાવી હતી. શાહે મોરચાના બધા મહત્ત્વના નેતાઓની સાથે એકસાથે વાત કરવાને બદલે યુદ્ધવીરને પસંદ કર્યા હતા. શાહની મહેનત એક મહિને રંગ લાવી હતી અને પ્રસ્તાવો પર સહમતી બની હતી.
શાહની વાતચીત દરમ્યામ લખીમપુર ખીરીની ઘટનાને મામલે ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્ર ટેનીના રાજીનામાને મુદ્દે પેટ ફસાયેલો હતો, પણ મોરચાએ રાજીનામા પર મુદ્દે અડગ નહીં રહેવા માટે સહમતી આપી હતી, જેથી આંદોલનને પૂરું કરવાનો સંદેશ મળ્યો હતો.