CDS રાવત-પત્ની પંચમહાભૂતમાં વિલીનઃ પુત્રીઓએ અગ્નિદાહ આપ્યો

નવી દિલ્હીઃ ગયા બુધવારે તામિલનાડુમાં લશ્કરી હેલિકોપ્ટરને નડેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપીન રાવત અને એમના પત્ની મધુલિકા રાવતનાં પાર્થિવ શરીરનાં આજે અહીં દિલ્હી કેન્ટોનમેન્ટ સ્થિત બ્રાર સ્ક્વેર સ્મશાનભૂમિમાં સંપૂર્ણ લશ્કરી સમ્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાવત દંપતીનાં પાર્થિવ શરીરને એમની બે પુત્રી – કૃતિકા અને તારિણીએ અગ્નિદાહ આપ્યો હતો.

રાવત દંપતીનાં પાર્થિવ શરીરને એ પહેલાં જાહેર અંતિમ દર્શન માટે અત્રે એમનાં નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી અંતિમયાત્રા સ્વરૂપે સ્મશાનભૂમિ લઈ જવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે જનરલ રાવતને 17 તોપની સલામી આપવામાં આવી હતી. સ્મશાનભૂમિ ખાતે સશસ્ત્ર દળોના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.