જેસલમેરઃ શરણાર્થીઓ (રેફ્યુજીઓ)ને નાગરિકતા આપવા માટેના સરકારના આકરા નિયમોને કારણે પાકિસ્તાની હિન્દુ રેફ્યુજીઓ પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. આ હિન્દુઓ ત્યાંના અત્યાચારોને કારણે પાકિસ્તાનથી ભારતમાં આવવા માગતા હતા. જોકે જાન્યુઆરીથી જુલાઈ-2022 સુધી 334 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ પાકિસ્તાન પરત ચાલ્યા ગયા છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
વર્ષ 2021થી અત્યાર સુધીમાં 1500 પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓઓ પાકિસ્તાનમાં પરત ફર્યા છે. કેન્દ્ર સરકારની સાથે-સાથે રાજ્ય સરકારે પણ પાકિસ્તાન હિન્દુઓ પરત્વે નાગરિકતા આપવામાં ઉદાસીન વલણને કારણે આ શરણાર્થીઓમાં ભારે હતાશા વ્યાપી ગઈ હતી. આ પાકિસ્તાની હિન્દુઓમાં મોટા ભાગના શરણાર્થીઓ પાસે નાગરિકતા પ્રાપ્ત કરવા માટે જરૂરી કાગળિયાંની કાર્યવાહી કરવા માટે નાણાં કે સંસાધનો પ્રયાપ્ત નહોતાં. જેથી તેઓ પાછા ફરી રહ્યા છે, એમ સિમન્ત લોક સંગઠનના પ્રમુખ હિન્દુ સિંહ સોઢાએ જણાવ્યું હતું.
આ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને વિશ્વાસ નહોતો કે તેઓ જે નાગરિકતા માટે ખર્ચ કરી રહ્યા છે, એનાથી તેમની ભારતીય નાગરિકતા પ્રાપ્ત થશે જ. આશરે 25,000 પાકિસ્તાની હિન્દુઓ ભારતીય નાગરિકતા મેળવવામાં માગતા હતા. આ પાકિસ્તાની હિન્દુઓ છેલ્લાં 10થી 15 વર્ષથી અહીં રહેતા હતા.
વર્ષ 2004-05માં કેમ્પમાંથી 13,000 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી, પણ છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર 2000 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા આપવામાં આવી હતી. પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મેળવવા માટે મોટી રકમ ચૂકવવી પડે છે.