નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) સંસ્થાએ એક સર્ક્યૂલરમાં જણાવ્યું છે કે હવેથી દેશના રાષ્ટ્રીય મહામાર્ગો (હાઈવેઝ) પર ખરાબ રોડ એન્જિનીયરિંગ કામકાજને કારણે કોઈ પણ પ્રકારના જીવલેણ કે ગંભીર અકસ્માતો થશે તો એને માટે અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે.
પ્રાથમિક સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાની પ્રક્રિયામાં સામેલ થયેલા NHAI અધિકારીઓ દ્વારા એમની ફરજમાં રખાતી બેદરકારી વિશે ઓથોરિટીએ ગંભીર નોંધ લીધી છે. કારણ કે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટની જોગવાઈઓ અને નીતિ વિષયક ગાઈડલાઈન્સની સંપૂર્ણ અવગણના કરીને અધિકારીઓ જે બેદરકારી રાખે છે એને કારણે જ રોડ પર સફર કરનારાઓની સલામતી જોખમાય છે. પ્રાથમિક કમ્પ્લીશન સર્ટિફિકેટ ત્યારે અપાય છે જ્યારે હાઈવે કે મુખ્ય માર્ગો પર રોડ માર્કિંગ, રોડ સાઈનેજીસ તથા યૂઝર્સની સલામતીને લગતી અન્ય બાબતો બરાબર હોય. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે હાઈવે પર અકસ્માતો સર્જાય છે, મૃત્યુ થાય છે અને NHAI નું નામ બદનામ પણ થાય છે.