નવી દિલ્હી: INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે પી.ચિદમ્બરની જામીન અરજી પર CBIને નોટીસ પાઠવીને જવાબ માગ્યો છે. ચિદમ્બર તરફથી કેસ લડી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, અમે ન્યાયિક કસ્ટડીને પડકાર આપ્યો છે. સાથે જ રેગ્યુલર જામીનની પણ માગણી કરી છે. પી ચિદમ્બરમની જામીન અરજી પર સીબીઆઈને સાત દિવસમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટે જણાવ્યું છે.
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ સુરેશ કૈતે સીબીઆઈએ આ મામલે નોટિસ ફટકારી છે અને એક સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. પી ચિદમ્બરે જામીન અરજીમાં એવો દાવો કર્યો છે કે આ સમગ્ર કેસ રાજકીય બદલાની ભાવના સાથે કરાયો છે. 73 વર્ષના કોંગ્રેસના નેતાએ આ સાથે જ ટ્રાયલ કોર્ટ દ્વારા 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં રહેવાના ચુકાદાને પડકારતી અરજી પરત ખેંચી હતી. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરના હાથ ધરવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે લાંચ લઈને આઈએનએક્સને 2007માં 305 કરોડ લેવા માટે વિદેશી રોકાણ બોર્ડથી મંજૂરી અપાવી હતી. આ મામલે પાંચ સપ્ટેમ્બરે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પહેલાં તેઓ 15 દિવસ સુધી સીબીઆઈ અટકાયતમાં રહ્યા હતાં. આ ઉપરાંત ઈડી મની લોન્ડરિંગના આરોપમાં પણ તેમની પૂછપરછ કરી રહી છે.