લડાખ સરહદે તણાવ વધતા ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ

નવી દિલ્હી: પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે બુધવારે ભારત અને ચીનના સૈનિકો પૂર્વ લડાખમાં ઘર્ષણ થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ વધતા લાંબા સમય સુધી ધક્કા-મુક્કી થઈ હતી. ઘટના 134 કિલોમીટર લાંબી પૈંગોંગ સરોવરના ઉત્તરી કિનારા પર થઈ જેના એક તૃતિયાંશ હિસ્સા પર ચીનનું નિયંત્રણ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા એ દરમિયાન એમનો સામનો ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સાથે થયો હતો. ચીની સૈનિકો આ સ્થળ પર ભારતીય સૈનિકોની હાજરીનો વિરોધ કરવા લાગ્યા, અને ત્યારબાદ બંન્ને પક્ષો વચ્ચે ધક્કા-મુક્કી શરુ થઈ ગઈ.

ઘટના બાદ બંન્ને પક્ષો તરફથી અહીં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે. મહત્વનું છે કે, 2017માં સિક્કિમ-ભૂટાન-તિબ્બત સરહદ પર ડોકલામમાં પણ બંન્ને દેશો વચ્ચે લાંબા સમય સુધી તણાવભરી સ્થિતિ રહી હતી. 72 દિવસ સુધી બંન્ને દેશોની સેના આમને-સામને રહી હતી.

ભારતીય સેનાએ આ તણાવ અંગે જાણકારી આપતા કહ્યું કે, રાજનીતિક વાતચીત પછી આ તણાવ ખત્મ થઈ ગયો છે. હક્કીકતમાં ડોકલામમાં ચીનના સૈનિકોએ રસ્તાનું નિર્માણ શરૂ કરી દીધું હતું. ભૂટાનને મદદ કરતા ભારતીય સેના ડોકલામ સુધી પહોંચી ગઈ હતી અને તેણે રસ્તાનું કામ રોકાવી દીધું હતું.

મહત્વનું છે કે, જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370 દૂર કર્યા પછીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. તો ચીન આ મામલે પાકિસ્તાનનો સાથે આપતું હોય તેવું લાગી રહ્યું છે. કશ્મીરના મુદ્દા પર પણ યૂએનમાં ચીન પાકિસ્તાનનો સાથ દઈ ચુક્યું છે.