વિદ્યાર્થીઓનાં મોત મામલે હાઇકોર્ટની દિલ્હી સરકાર, MCDને આકરી ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર IAS કોચિંગ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી નગર નિગમ (MCD)ની અને અન્ય એજન્સીઓની આકરી ઝાટકણી કાઢી હતી. વિદ્યાર્થીઓનાં મોત પર કોર્ટે સવાલ કર્યો હતો કે અત્યાર સુધી કેટલા MCD અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે? કોર્ટે પોલીસ પર સવાલ કરતાં પૂછ્યું હતું કે દિલ્હી પોલીસ ક્યાં છે અને શું કરી રહી છે?  

કોર્ટે લાલ આંખ કરતાં કહ્યું હતું કે ફ્રીબિઝના ચક્કરમાં MCD જેવી સંસ્થાઓએ દેવાળું ફૂંક્યું છે. કર્મચારીઓને પગાર આપવાનાં ફાંફાં છે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી થઈ શકતું. MCDએ રેવડી વહેંચવાના રાજકારણ પર વિચાર કરવો જોઈએ. દિલ્હીમાં બધું ગરબડ છે. MCDના અધિકારીઓને એ માલૂમ નથી કે કયું નાળું ક્યાં છે? કોઈ ભવિષ્યની યોજના નથી બનાવી શકતું.

કોર્ટે સવાલ કરતાં કહ્યું હતું કે તમારે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું પડશે. ત્યારે બિલ્ડિંગોના નિયમોમાં છૂટ આપી શકો છો, પરંતુ તમે ઊલટું કામ કરી રહ્યા છો. તમે રસ્તા પરથી પસાર થતી દરેક વ્યક્તિની ધરપકડ કરી રહ્યા છો, પણ MCD અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. કોર્ટે સવાલ કર્યો હતો કે તમે જે અધિકારીઓ પર કાર્યવાહી કરી છે, એ જુનિયર અધિકારીઓ છે, પરંતુ સિનિયર અધિકારીઓનું શું? જેમની જવાબદારી સુપરવિઝનની છે.

હાઇકોર્ટે MCD કમિશનર, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને તપાસ અધિકારીને શુક્રવારે કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટ આ મુદ્દે ફરીથી શુક્રવારે સુનાવણી કરશે.