તિરુવનંતપુરમઃ કેરળ રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડ્યો છે. એને પગલે ભૂસ્ખલનની ઘટના બની છે અને ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધારે ખરાબ અસર દક્ષિણ ભાગના તિરુવનંતપુરમ જિલ્લામાં થઈ છે. અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં ફસાઈ ગયેલાં લોકોને હોડીઓની મદદથી ઉગારવામાં આવી રહ્યાં છે.
તિરુવનંતપુરમ જિલ્લામાં અનેક મકાનોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ બની છે. જળબંબાકાર વિસ્તારોમાં ફસાઈ ગયેલાં લોકોને હવાથી ફૂલાવેલી બોટની મદદથી ઉગારીને કેમ્પ્સમાં લઈ જવામાં આવ્યાં છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયેલી મોટરકારોને દર્શાવતી તસવીરો ઈન્ટરનેટ પર જોવા મળી રહી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વી. સિવનકુટ્ટી અને રેવેન્યૂ પ્રધાન કે. રાજને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેની તસવીરો એમના ફેસબુક પેજ પર શેર કરી છે.
તિરુવનંતપુરમ જિલ્લાની 3 નદીઓમાં પૂર આવવાની ચેતવણી ઈશ્યૂ કરવામાં આવી છે. 600 જેટલા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યાં છે.
(તસવીર સૌજન્યઃ V Sivankutty ફેસબુક)