દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદે વ્યાપક વિનાશ સર્જ્યો છે. અત્યાર સુધીમાં 42 જણના જાન ગયા છે. આમાં 42 જણ એકલા કુમાઉં ક્ષેત્રમાં માર્યા ગયા છે. ગઈ કાલથી શરૂ થયેલો ભારે વરસાદ આજે પણ ચાલુ રહ્યો છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સાંજે ઉત્તરાખંડના પાટનગર દેહરાદૂન આવશે અને ઉચ્ચ અધિકારીઓ તથા રાહત ટૂકડીઓમાં સામેલ લોકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. અમિત શાહ આવતીકાલે આફતગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કરશે.
દરમિયાન, ઉત્તરાખંડમાં એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આ કેન્દ્રીય એજન્સીએ હરિદ્વાર સહિત અનેક સ્થળે કુલ 15 ટૂકડીઓને તૈનાત કરી છે. કુમાઉં ક્ષેત્રમાં મેઘતાંડવથી સૌથી વધારે તારાજી સર્જાઈ છે. અનેક મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. કાટમાળમાં ઘણા લોકો દબાઈ ગયા હોવાની આશંકા છે. નૈનીતાલ રાજ્યના શેષ ભાગથી વિખૂટું પડી ગયું છે.
(તસવીર સૌજન્યઃ @NDRFHQ)