મુંબઈઃ દુનિયાભરમાં બ્રેડનો વપરાશ કેટલો બધો થાય છે એની સૌને ખબર છે. કોઈ ચા સાથે ખાય, તો કોઈ ટોસ્ટ બનાવીને ખાય, કોઈ જૅમ લગાવીને ખાય, સેન્ડવિચમાં ખાય કે બ્રેડ પકોડા તરીકે ઉપયોગ કરે. આવી અનેક રીતે બ્રેડ ખાવામાં આવે છે. આજકાલ સર્વત્ર ફિટનેસની ચર્ચા ચાલે છે. સૌ કોઈ ફિટનેસ જાળવવા તરફ વળ્યાં છે. એને માટે ઉત્તમ ડાયેટ (આહાર)ની ચર્ચા થાય છે.
આ પરિસ્થિતિમાં લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ ખાવાનું વધારે પસંદ કરે છે, પરંતુ હવે એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે આરોગ્યનો પર્યાય કહેવાતા બ્રાઉન બ્રેડ ખરેખર આરોગ્ય માટે સારા છે કે નહીં? સત્ય શું છે તે જાણવું જરૂરી છે.
કઈ રીતે બનાવવામાં આવે છે બ્રાઉન બ્રેડ?
સફેદ બ્રેડ રીફાઈંડ લોટમાંથી એટલે કે મેંદામાંથી બનાવવામાં આવે છે. જ્યારે બ્રાઉન બ્રેડ ઘઉં તથા અન્ય અનાજને મિક્સ કરીને બનાવવામાં આવે છે. પોષણની વાત કરીએ તો, બ્રાઉન બ્રેડમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, સાકર, પ્રોટીન વગેરે હોય છે. જોકે આ બધું ગુણવત્તા પર આધાર રાખે છે.
આરોગ્ય માટે બ્રાઉન બ્રેડ યોગ્ય છે?
બ્રાઉન બ્રેડને આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પણ તેમાં ક્યારેક મેંદો, ખાદ્ય રંગ, સાકર તથા બીજા અનેક ઘટકો પણ હોઈ શકે છે. તેથી બજારમાં બ્રેડનો બ્રાઉન રંગ જોઈને તેની ખરીદી કરવી નહીં. વળી, મોટી અને પ્રસિદ્ધ બ્રાન્ડનાં બ્રાઉન બ્રેડ ખરીદતા પહેલાં તેના પેકેટ પર પાછળની બાજુએ લખેલી સામગ્રીની યાદી વાંચવી. કારણ કે, ક્યારેક તે બ્રેડ તમારા આરોગ્ય માટે વ્હાઈટ બ્રેડ કરતાં પણ વધારે હાનિકારક બની શકે છે.
બ્રાઉન રંગ આરોગ્ય માટે હાનિકારક
વાસ્તવમાં, ઘણી વખત બ્રાઉન બ્રેડમાં કૃત્રિમ રંગો પણ ઉમેરવામાં આવે છે જેથી તેને વધારે ચમકદાર અને બ્રાઉન રંગ મળે છે. આવા રંગ કોલ્ડ ડ્રિન્ક્સમાં પણ વાપરવામાં આવે છે, જે તમારા આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક બની શકે છે.