નવી દિલ્હીઃ બે વિધાનસભા મતવિસ્તારોની મતદારયાદીઓમાં નામ લખાવીને કાયદાનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને નીચલી અદાલત દ્વારા મોકલવામાં આવેલા સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. આરોપના સંબંધમાં 18 નવેમ્બરે કોર્ટમાં ઉપસ્થિત થવાનો આદેશ આપતા ટ્રાયલ કોર્ટના ઓર્ડરને સુનિતા કેજરીવાલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેના સંદર્ભમાં હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ અમિત બંસલે પ્રશાસન તથા ફરિયાદી પક્ષને નોટિસ મોકલી છે.
નીચલી કોર્ટના આદેશની અમલબજવણી પર હાઈકોર્ટના જજે સ્ટે ઓર્ડર પણ આપ્યો છે અને આ બાબત પર હવે પછીની સુનાવણી માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.