કૃષિ-કાયદા વિવાદ વચ્ચે દુષ્યંત ચૌટાલા મળ્યા મોદીને

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ (બીજેપી) અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સંયુક્ત સરકાર છે. ભાજપના મનોહરલાલ ખટ્ટર મુખ્ય પ્રધાન છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્ય પ્રધાન. પરંતુ, હરિયાણા, પંજાબ તથા અન્ય અમુક રાજ્યોના ખેડૂતો જેની સામે દિલ્હીમાં પોણા બે મહિનાથી આંદોલન પર ઉતર્યા છે તે કેન્દ્રીય કૃષિ કાયદા મામલે ચૌટાલા ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. એમની નારાજગીને ધ્યાનમાં લઈને ગૃહ પ્રધાન અમિત શાહ ગઈ કાલે ખટ્ટર અને ચૌટાલાને મળ્યા હતા. હવે આજે, નવી દિલ્હીમાં ચૌટાલા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક થઈ.

એવી અટકળો છે કે, હરિયાણામાં કૃષિ કાયદા, ખેડૂતોના આંદોલન મામલે બીજેપી અને જેજેપી વચ્ચે મતભેદો છે. જેજેપીના અમુક વિધાનસભ્યો પર આંદોલનકારી ખેડૂતો તરફથી દબાણ થઈ રહ્યું છે તે કાયદાઓને રદબાતલ કરાવવા ભાજપને ફરજ પાડવામાં તેઓ એમને સમર્થન આપે. સુપ્રીમ કોર્ટે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના અમલને સ્થગિત કરાવી દીધા છે. કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરી છે અને તેને બે મહિનામાં આ વિવાદ અને તેના સંભવિત ઉકેલો અંગે અહેવાલ આપવા જણાવ્યું છે.