હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જારી કર્યો ‘હાથ બદલશે હાલાત’ મેનિફેસ્ટો

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં મતદાનના આશરે એક સપ્તાહ પહેલાં કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કરી દીધું છે, જેમાં જનતા માટે અનેક મોટાં ચૂંટણી વચનો આપવામાં આવ્યાં છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સાત ગેરેન્ટી બાદ હવે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો  ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યો છે.

પાર્ટીએ રાજ્યની જનતાને રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર આપવા, સસ્તું શિક્ષણ અને મહિલાઓની સમસ્યાઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાની વાત કહી છે. આ સાથે વિદ્યાર્થીઓને મફત પિન્ક મીની બસ, અને પિન્ક ઈ-રિક્ષાની સુવિધા આપવામાં આવશે. ખેડૂત પંચની રચના અને MSPના કાનૂની ગેરંટીનું વચન આપવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને સિંધુ બોર્ડર પર સ્માર બનાવવામાં આવશે. પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે.

આ સાથે વિદેશોમાં નોકરો માટે હરિયાણા વિદેશી રોજગાર બોર્ડ સિનિયર સિટિઝનો, દિવ્યાંગો અને વિધવાઓને રૂ. 6000 માસિક પેન્શન અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાના વચન આપવામાં આવ્યાં છે.

ચંદીગઢમાં ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમની સાથે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ  પૂર્વ શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન પણ હાજર રહ્યા છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે SYL કેનાલ વિવાદ ઉકેલવાનો વાયદો કર્યો છે.