હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો લોકતંત્રની હારઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણીમાં મળેલી હારથી કોંગ્રેસે વ્યથિત છે. કોંગ્રેસે હરિયાણાની હારને પચાવી નથી શકી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આ તંત્રની જીત છે. આ ચૂંટણી પરિણામો અમે સ્વીકારી નથી શકતા. કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવા શરૂ કર્યા હતા.

કોંગ્રેસ નેતા રમેશે કહ્યું હતું કે બધાં પરિણામોની જેમ ચૂંટણીના વલણોને જાણીબૂજીને પંચની વેબસાઇટ પર ધીમે-ધીમે શેર કરવામાં આવતી હતી. શું ભાજપ વહીવટી તંત્ર પર દબાણ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે? એવો સવાલ કર્યો હતો. રમેશે પંચને પત્ર લખીને મત ગણતરીમાં અપડેટમાં વિલંબનો આરોપ લગાવ્યો હતો.

સોશિયલ મિડિયા પર પંચને ટેગ કરતાં જયરામ રમેશે લખ્યું હતું કે લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં ફરી ECI વેબસાઇટ પર ધીમી ગતિથી અપડેટ થઈ રહ્યા છે. ECI જવાબ આપે.

જોકે ચૂંટણી પંચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશને જડબાતોડ જવાબ આપ્યો છે. પંચે રમેશના આરોપોને નિરાધાર જણાવતાં ફગાવી દીધા હતા. પંચે કહ્યું હતું કે રમેશે એના સમર્થનમાં કોઈ તથ્યાત્મક દસ્તાવેજ રજૂ નહીં કરી શક્યા, જેથી તેમના આરોપોને ફગાવી દેવામાં આવે છે.

બીજી બાજુ, કોંગ્રેસનાં નેતા કુમારી શૈલજાએ કહ્યું હતું કે નિરાશાજનક પરિણામો છે. અમારા કાર્યકરો બહુ નિરાશ છે. 10 વર્ષ સુધી પાર્ટી માટે લોહી-પાણી એક કર્યાં છે. હવે અમારે આગળ નવેસરથી વિચારવું પડશે, કેમ કે ખામીઓ છે, કોણ લોકો છે, જે જવાબદાર છે. રાહુલ ગાંધીએ જે માહોલ બનાવ્યો હતો, એ આગળ સફળ ના થઈ શક્યો. હાઇકમાન્ડે એ જોવું રહ્યું કે શું થયું છે, એમ તેમણે કહ્યું હતું.