નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. ત્યાં સુધી કે લોકો હાથ મિલાવવાનું પણ ટાળી રહ્યા છે. કારણ કે ચીનના વુહાનમાંથી નિકળેલો આ વાયરસ સ્પર્શ કરવાથી ફેલાય છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય કેન્દ્ર લોકોને સમય સમય પર હાથ ધોવાની અને કોઈની સાથે હાથ ન મિલાવવાની સલાહ આપી રહ્યા છે. આ પ્રકારની જ સલાહ ભારતીય ટીમના ઓફ સ્પિનર હરભજન સિંહે પણ આપી છે.
હરભજન સિંહે કોરોના વાયરસથી બચવા માટે એક સિમ્પલ સ્ટેપ બતાવ્યું છે કે જેને અપનાવવાથી લોકો આ બિમારીની ઝપેટમાં નહી આવે. હકીકતમાં હરભજન સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. આમાં એક કોલાજ છે કે જેમાં બે ફોટો છે. એક ફોટોમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની છે, જ્યારે બીજા ફોટોમાં પ્રીતિ ઝિન્ટા અને હરભજન સિંહ પોતે છે.
આ ફોટોઝની ખાસ વાત એ છે કે ધોની અને પ્રિતી ઝિન્ટા હાથ મિલાવી રહ્યા છે, જ્યારે હરભજન સિંહ પ્રીતિ ઝિન્ટા સામે હાથ જોડીને ઉભા છે. આના કેપ્શનમાં ભજ્જીએ લખ્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે માત્ર એક સરળ સ્ટેપ. ભલે ચેન્નઈ સુપર કિંગ્સના સ્પિનર હરભજન સિંહે હળવાફૂલ અંદાજમાં આ વાત કહી હોય પરંતુ હકીકતમાં આ એક મોટો સંદેશ છે. અત્યારે કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે તેવા સમયે લોકો સાથે હાથ મિલાવવાનું ટાળવું જોઈએ. આ જ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કહી રહ્યું છે.
