સેના માટે કામ કરતી HALને પેમેન્ટની રાહ: 15,700 કરોડ બાકી હોતાં આર્થિક સંકટ

બેગ્લુરુ- હથિયાર નિર્માણ કરતી ભારતની સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આજ કાલ મોટા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. આ સંકટમાંથી બહાર નિકળવા માટે કંપનીને સંરક્ષણ મંત્રાલય પાસેથી વિલંબિત પેમેન્ટ મળવાની રાહે છે. આ બધા વચ્ચે એક નવી જાણકારી સામે આવી છે.

વર્તમાનમાં તેમના કર્મચારીઓને સેલેરી ચૂકવવા માટે ઉધારે નાણાં લેનાર કંપની HAL એ વર્ષ 2003થી 2018 દરમિયાન સરકારને 9 હજાર કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું. આ રકમમાં 50 ટકા હિસ્સો માત્ર છેલ્લા પાંચ વર્ષનો હતો.

મળતી જાણકારી મુજબ કુલ 8,996 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપવામાં આવ્યાં હતાં, જેમાં 4366 કરોડ રૂપિયા કેન્દ્રએ 2003થી 2013 દરમિયાન એકત્ર કર્યાં હતાં. ત્યાર બાદના પાંચ વર્ષોમાં 4630 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

HAL કર્મચારી સંગઠનના મહાસચિવ સુર્યદેવ ચંદ્રશેખરનું માનવું છે કે, છેલ્લા 3 વર્ષોમાં સરકારે કંપનીના શેરને બે વખત બાયબેક કર્યા હતાં. HALના 75 વર્ષના ઈતિહાસમાં આ પગલું પ્રથમ વખત લેવામાં આવ્યું હતું. તેમનું માનવું છે કે, શેર બાયબેકના પગલાએ HALની આર્થિક હાલત પર ગંભીર અસર પહોંચાડી છે. તમને જણાવી દઈએ કે, HALના બે વખતના બાયબેક કુલ 6393 કરોડ રૂપિયાના હતાં. જેમાંથી પ્રથમ બાયબેક 2015માં 5265 કરોડ અને બીજુ બાયબેક વર્ષ 2017માં 1128 કરોડમાં કરવામાં આવ્યું હતું.

આ રીતે જોઈએ તો વર્ષ 2013થી 2017 દરમિયાન HALએ કેન્દ્રને 11 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ આપી છે. છેલ્લા 10 વર્ષમાં આ પબ્લિક સેક્ટર યુનિટે કેન્દ્રને જેટલી રકમ આપી છે તેમના કરતા બમણીથી પણ વધારે છે.

પેમેન્ટની રાહે HAL

આજની તારીખમાં પણ ઈન્ડિયન એર ફોર્સ, આર્મી અને નેવીએ HALના 15,700 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું. આ નાણાં આ સંસ્થાઓને આપેલી સાધન સામગ્રી અને સર્વિસના છે. જેમાંથી 14500 કરોડ રૂપિયા તો માત્ર ઈન્ડિયન એરફોર્સના જ બાકી છે. વાયુ સેના આ પબ્લિક સેક્ટર યૂનિટનું સૌથી મોટું ગ્રાહક છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ કંપનીના સીએમડી આર.માધવને જણાવ્યું હતું કે, અમારી પાસે કેશ ઓન હેન્ડ નેગેટિવમાં છે. જેથી અમારે 1000 કરોડ રૂપિયા ઓવરડ્રાફ્ટ તરીકે ઉધાર લેવાની નૌબત આવી છે. 31 માર્ચ સુધીમાં અમે 6000 કરોડ રૂપિયાની નુકસાનીમાં હશુ, જે ઘણી મુશ્કેલી ભરી સ્થિતિ હશે. અમે દૈનિક કાર્યો માટે ઉધાર લઈ શકીએ છીએ, પરંતુ પ્રોજેક્ટ સંબંધીત ખરીદી માટે લોન ન લઈ શકાય.