નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર આવતીકાલથી શરૂ થવાનું છે. તેની પૂર્વસંધ્યાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એમાં વિરોધપક્ષોને ખાતરી આપી હતી કે સરકાર કોઈ પણ મુદ્દા પર તંદુરસ્ત તથા અર્થસભર ચર્ચા કરવા તૈયાર છે. આ સત્રમાં 31 ખરડાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં બે નાણાં ખરડાનો સમાવેશ થાય છે. આ સત્ર 19 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી ચાલશે.
બેઠકમાં વડા પ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભામાં ભાજપના નેતા પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી પણ હાજર હતા. બેઠકમાં 33 પક્ષોના 40થી વધારે નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.