સરકારની કસોટીઃ ખેડૂતો સાથે આજે ચર્ચાનો પાંચમો-દોર

નવી દિલ્હીઃ ખેડૂતોનું આંદોલન આજે 10મા દિવસમાં પ્રવેશ કરી ચૂક્યું છે. મોદી સરકારની અગ્નિ પરીક્ષાનો દિવસ છે. ખેડૂતોની માગ સામે જેમ-જેમ મોદી સરકાર નરમ પડી રહી છે, તેમ-તેમ ખેડૂતો તેમની માગમાં વધારો કરી રહ્યા છે. MSPને કૃષિ કાયદામાં સામેલ કરવાની માગને લઈને શરૂ થયેલું આંદોલન હવે ત્રણે કાયદાઓ રદ કરવાની માગ સુધી પહોંચી ગયું છે. ખેડૂતોની આડમાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

દેશવિરોધી આંદોલન અને આંતકવાદી સંગઠન પણ ખેડૂત આંદોલનની આડમાં સરકારની સામે સક્રિય થઈ ગયા છે. એટલા માટે મોદી સરકારની સામે આજનો દિવસ મહત્ત્વનો છે. ખેડૂતોના એક જૂથે વડા પ્રધાન મોદીના પૂતળાં બાળવાની અને આજની મંત્રણામાં કોઈ સમાધાન નહીં નીકળે તો આઠ ડિસેમ્બરે ભારત બંધ કરવાની ધમકી ઉચ્ચારી છે.

દિલ્હીના ગાજીપુર બોર્ડર પર સ્થિત ખેડૂતોનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકેટે કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે આજે સમસ્યાનો નિવેડો આવી જશે અને આંદોલનનો સુખદ અંત આવશે. સિંધુ બોર્ડર પર પંજાબથી આવેલા ખેડૂત નેતાઓનું  કહેવું છે કે તેઓ તો સરકારનાં દ્વાર પર આવ્યા છે. હવે સરકારની જવાબદારી છે કે તેમની માગોને સ્વીકારે અને આંદોલનને ખતમ કરે. જાસૂસી એજન્સીઓથી મળેલા ઇનપુટ પછી દિલ્હીની બધી બોર્ડર્સ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

આ પહેલાં ગુરુવારે કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનોના 40 ખેડૂત નેતાઓના જૂથને આશ્વાસન આપ્યું છે કે સરકાર તેમની ચિંતાઓ દૂર કરવાના બધા સંભવિત પ્રયાસ કરશે. આના ભાગરૂપે મંડીઓને મજબૂત બનાવવા, પ્રસ્તાવિત બજારો અને વિવાદ સમાધાન માટે ખેડૂતોને ઊંચી કોર્ટોમાં જવાની સ્વતંત્રતા આપવા જેવા મુદ્દાઓ પર વિચાર કરવા તૈયાર છે. તેમણે એ પણ કહ્યું હતું મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પરની ખરીદ વ્યવસ્થા જારી રહેશે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]