નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પછી હવે ગાંધી પરિવારને અપાયેલું એસપીજી સંરક્ષણ પાછું ખેંચી લેવાશે. એએનઆઈના અહેવાલ મુજબ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળેલા એસપીજી કવરને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
જોકે કોંગ્રેસના આ ત્રણ નેતાઓને સીઆરપીએફ ઝેડ + કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસે સરકારના નિર્ણયની નિંદા કરી છે.
સીઆરપીએફ કમાન્ડો ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ ગાંધી પરિવારની સુરક્ષા કરશે. ગૃહ મંત્રાલય દલીલ કરે છે કે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કોઈપણને સુરક્ષા આપવામાં આવે છે. હાલમાં ગાંધી પરિવારને કોઈ ખતરો નથી અને આવી સ્થિતિમાં ઝેડ પ્લસની સુરક્ષા પર્યાપ્ત રહેશે. ગૃહ મંત્રાલય સમયાંતરે સુરક્ષા કવરની સમીક્ષા કરે છે.
સ્વાભાવિક જ આ અંગે ક્રોગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી.કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે સરકાર એસપીજીની સુરક્ષા હટાવીને ગાંધી પરિવારને ખલેલ પહોંચાડવા માગે છે. અલ્વીએ કહ્યું કે આ નિર્ણય કમનસીબ છે.ગાંધી પરિવારના બે લોકોની હત્યા કરવામાં આવી છે, તેથી આ રક્ષણ હટાવવું જોઈએ નહીં. કોંગ્રેસે કહ્યું કે ભાજપ બદલાની રાજનીતિ કરી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ સમગ્ર ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. ગાંધી પરિવારનું એસપીજી સુરક્ષાકવચ પાછું ખેંચાયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે એસપીજી કવરની સુરક્ષા છે.