જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મુક્ત કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે કેન્દ્રને આગામી અઠવાડિયા સુધીનો સમય આપતા કહ્યું કે, ઓમર અબ્દુલ્લાને કસ્ટડીમાંથી મુક્ત કરી રહયા છો? તો જલ્દીથી જ તેને મુક્ત કરો નહીંતર અમે કસ્ટડી વિરુદ્ધ તેની બહેનની અરજી પર સુનાવણી હાથ ધરીશું. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રને સવાલ પૂછ્યો કે શું તેઓ જાહેર સલામતી કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવેલા ઓમર અબ્દુલ્લાને મુક્ત કરવાની કોઈ યોજના બનાવી છે? આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે થશે.
મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબ્દુલ્લાની અટકાયત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં તેમની બહેને અરજી દાખલ કરી હતી. તેમની બહેન સારા અબ્દુલ્લા પાયલટે અરજીમાં જણાવ્યું છે કે, ઉમરની અટકાયત તેમની અભિવ્યક્તિના અધિકારનું હનન છે. સરકાર દ્વારા તેમના વિરોધીઓના અવાજ દબાવવાનો પ્રયાસ છે.