ગુલામનબીનું વિવાદિત નિવેદનઃ કહ્યું, પૈસાથી તો કોઈપણનો સાથ લઈ શકાય

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370ને દૂર કર્યા બાદ ત્યાં તણાવની સ્થિતિ સામાન્ય રાખવા પર તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેને લઇને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બુધવારે શોપિયાંમાં કેટલાક નાગરિકો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાતો પણ કરી હતી. આ ઉપરાંત ડોભાલ કેટલાક લોકો સાથે ભોજન લેતાં પણ નજરે પડ્યાં હતાં. આને લઇને કોંગ્રેસના અગ્રણી નેતા ગુલામનબી આઝાદે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પૈસાથી કોઇનો પણ સાથ લઇ શકાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ મામલે પૂછાયેલા એક સવાલના જવાબમાં આઝાદે પૈસા આપની લોકોને સાથે લેવાનો આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને  આ નિવેદન બદલ આઝાદ માફી માગે તેવી માગ કરી છે.

ગુલામ નબી આઝાદને પુછવામાં આવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કશ્મીરમાં સામાન્ય નાગરિકોને મળી રહ્યાં છે, આ વાત પર આઝાદે કહ્યું કે, પૈસા આપીને તમે ગમે તેને સાથે લઈ શકો છો. આઝાદે કહ્યું કે, કશ્મીરના લોકો પર કર્ફ્યૂ લગાવીને કાયદો ઘડવામાં આવ્યો છે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આવુ થયું છે.

મહત્વનું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર આર્ટિકલ 370 હટાવાયા બાદથી કશ્મીરમાં જ છે. તેમણે જમ્મુ-કશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો સાથે પણ મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા ગુલામનબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પર અટકાવાયા બાદ પરત દિલ્હી મોકલી દેવાયા હતા. ગુલામનબી આઝાદ આજે કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતાં. જોકે તેમને એરપોર્ટ પર જ અટકાવી દેવાયા હતાં અને એરપોર્ટની બહાર જવા માટે સુરક્ષાદળોએ પરવાનગી આપી ન હતી. તેમની સાથે કોંગ્રેસના જમ્મુ કશ્મીર અધ્યક્ષ ગુલામ અહેમદ મીર પણ હતાં. સરકારને આશંકા છે કે, આ બંને નેતાઓ રાજ્યમાં લોકોને વિરોધ પ્રદર્શન કરવા માટે ઉશ્કેરી શકે છે.