નવી દિલ્હીઃ તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ હજી શમ્યો નથી, ત્યાં લખનૌ સ્થિત મનકામેશ્વર મંદિરમાં હવે બહારના પ્રસાદના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ઓડિશાના પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની તપાસનો આદેશ જિલ્લાધિકારીએ આપ્યો છે. તિરુપતિ મામલા પછી પુરી વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે.
આ સાથે રાજસ્થાન સરકારે પણ રાજ્યનાં મોટા મંદિરોના પ્રસાદની તપાસના આદેશ આપ્યા છે. સરકારના આદેશાનુસાર 23થી 26 સપ્ટેમ્બરની વચ્ચે આ તપાસ પૂરી થવાની છે. જોકે 14 મંદિરો પાસે સર્ટિફિકેટ છે. આ આદેશ પછી હવે મોટાં મંદિરોના પ્રસાદની તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય મથુરાનાં મંદિરોમાં પણ પ્રસાદની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. લખનૌના મનકામેશ્વર મંદિર તરફથી બાહર પ્રસાદ નહીં લઈ જવાનો નિયમ જારી કરી દેવામાં આવ્યો છે.
મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરનાં બચ્ચાં જોવા મળ્યાં છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વહેંચવામાં આવતા ‘મહાપ્રસાદ લાડુ’ના પેકેટમાં ઉંદરો પડેલા જોવા મળ્યા છે. ઘણાં પેકેટ પણ કોતરેલાં મળી આવ્યાં હતાં. મંદિર વહીવટી તંત્રએ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે રિપોર્ટ્સ મુજબ મુંબઈના પ્રખ્યાત મંદિર શ્રી સિદ્ધિવિનાયક મંદિરની ચોંકાવનારી તસવીર સામે આવી છે. મંદિરના મહાપ્રસાદમાં ઉંદરનાં બચ્ચાં જોઈ શકાય છે. આ તસવીરો પર માંગવામાં આવેલી સ્પષ્ટતા પર ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી વીણા પાટીલે કહ્યું છે કે આ તસવીરોની તપાસ કરવી પડશે. CCTV ફુટેજ પણ ચેક કરવામાં આવશે.