હૈદરાબાદ – આવતા મંગળવારથી અહીં શરૂ થનાર ગ્લોબલ આન્ટ્રપ્રન્યોરશિપ સમિટ (GES શિખર સંમેલન)માં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાનાં છે. એ માટે સમગ્ર શહેરમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. 10 હજારથી પણ વધુ પોલીસ જવાનોને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવનાર છે.
તેલંગણા રાજ્યના પોલીસ વડા એમ. મહેન્દર રેડ્ડીએ કહ્યું છે કે ત્રણ-દિવસ શિખર સંમેલન શાંતિપૂર્વક અને સરળતાપૂર્વક પાર પડે એ માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવનાર છે. ભારત, અમેરિકા તથા અન્ય દેશોમાંથી 1,500 જેટલા પ્રતિનિધિઓ, વ્યવસાયીઓ આ સંમેલનમાં ભાગ લેવાના છે.
ઈવાન્કા ટ્રમ્પ 28 નવેમ્બરે વહેલી સવારે શમશાબાદ ખાતેના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને 29 નવેમ્બરની સાંજે અમેરિકા જવા રવાના થશે.
મોદી મંગળવારે બપોરે બેગમપેટ એરપોર્ટ ખાતે આવશે અને હેલિકોપ્ટર દ્વારા મિયાપુર પહોંચશે. ત્યાં હૈદરાબાદ મેટ્રો યોજવાનું ઉદઘાટન કરશે અને કુકટપલ્લીથી ટ્રેનમાં સફર કરી મિયાપુર જશે. તેઓ હેલિકોપ્ટર દ્વારા હૈદરાબાદ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર જશે.
જીઈએસના ઉદઘાટન સત્રમાં હાજરી આપ્યા બાદ મોદી, ઈવાન્કા તથા અન્ય ડેલીગેટ્સ જૂના શહેરમાં આવેલી પેલેસ હોટેલ – તાજ ફલકનુમા પહોંચશે, જ્યાં ભારત સરકાર વતી ડિનરનું આયોજન કરવામાં આવશે.
ડિનર પતી ગયા બાદ મોદી શમશાબાદ એરપોર્ટ ખાતે રવાના થશે.
સુરક્ષા કાફલામાં એન્ટી-ટેરરિસ્ટ યુનિટ ‘ઓક્ટોપસ’, એન્ટી-માઓઈસ્ટ ફોર્સ, 50 ડોગ સ્ક્વોડ્સ, એન્ટી-સેબોટેજ ચેક્સ માટેની 40 ટૂકડીઓને તહેનાત કરાશે.
તમામ સુરક્ષા વ્યવસ્થા યૂએસ સિક્યૂરિટી એજન્સીઓ તથા ભારતના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સાથે સંકલન કરીને કરવામાં આવી છે.