કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં હાવડામાં સિંકદરાબાદ શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, એમ દક્ષિણ પૂર્વ રેલવે ડિવિઝને આ માહિતી આપી હતી. નલપુરમાં સિકંદરાબાદ-શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવે અધિકારીઓને જાણકારી મળતાં જ બચાવ અને રાહત ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.
આ મામલે રેલવે વિભાગના અધિકારીઓએ પ્રાથમિક આપતાં કહ્યું હતું કે કોઈ મોટું નુકસાન તો થયું નથી પણ અમુક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક એન્જિન અને ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ઘટના વહેલી સવારે સાડાપાંચ વાગ્યાના સુમારે થઇ હતી. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને અન્ય સ્ટેશનો પર રોકવામાં આવી હતી.
રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને વધારે નુકસાન થયું નથી. માત્ર એકથી બે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. વાસ્તવમાં, જે સમયે આ અકસ્માત થયો તે સમયે ડાઉન ટ્રેન સિકંદરાબાદ શાલીમાર વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ હતી. જેના કારણે મોટી રેલવે દુર્ઘટના ટળી હતી
રેલવેએ જણાવ્યું હતું કે આ એક સ્પેશિયલ ટ્રેન હતી. હાવડા-ખડગપુર રુટ પર આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધુ હતી. હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતની જાણકારી સામે આવતા જ ફરી એક વાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સામે સવાલો ઊઠવા લાગ્યા છે અને તેમના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે.