ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જસવંત સિંહ (82)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક, જસવંત સિંહનું આજે સવારે અહીં આર્મી હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તે 82 વર્ષના હતા.

રાજસ્થાનના બાડમેરના વતની જસવંત સિંહે સંરક્ષણ ઉપરાંત વિદેશ પ્રધાન તરીકેનો હોદ્દો પણ સંભાળ્યો હતો.

તેઓ ભારતીય લશ્કરમાં મેજર પણ રહી ચૂક્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જસવંત સિંહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

એક ટ્વીટમાં મોદીએ લખ્યું છે કે જસવંત સિંહે આપણા દેશની પૂરી નિષ્ઠા સાથે સેવા કરી હતી. પહેલા એમણે એક સૈનિકના રૂપમાં અને ત્યારબાદ રાજકારણમાં લાંબો સમય સુધી જોડાઈને. એમણે અટલી (વાજપેયી)ની સરકારમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા હતા. તેઓ નાણાં, સંરક્ષણ અને વિદેશને લગતી બાબતોમાં પોતાની મજબૂત છાપ છોડી ગયા છે. હું એમના નિધનથી દુઃખી છું.

એક અન્ય ટ્વીટમાં મોદીએ કહ્યું છે કે, જસવંત સિંહજીને રાજકીય તથા સામાજિક બાબતોમાંના વિશિષ્ટ દ્રષ્ટિકોણ માટે યાદ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં એમણે પણ યોગદાન આપ્યું હતું. એમના પરિવાર તથા સમર્થકો પ્રતિ મારી સંવેદના છે. ઓમ શાંતિ.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરીને જસવંત સિંહના નિધન અંગેના સમાચાર આપ્યા હતા. એમણે ટ્વીટમાં લખ્યું છે કે વરિષ્ઠ ભાજપ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જસવંત સિંહજીના નિધનથી ઘેરું દુઃખ થયું છે. એમણે રક્ષામંત્રી સહિત અનેક હોદ્દાઓ પર રાષ્ટ્રની સેવા બજાવી હતી. તેઓ અસરદાર પ્રધાન અને સાંસદ હતા.