નવી દિલ્હીઃ ધારકોની પ્રાઈવસીને લગતી ચિંતા વિશે આજકાલ દીર્ઘ ચર્ચા ચાલી રહી છે ત્યારે અનેક લોકો વોટ્સએપને છોડીને ટેલીગ્રામ અને સિગ્નલ મેસેજિંગ પ્લેટફોર્મ તરફ વળવા લાગ્યા છે, પરંતુ એક ચોંકાવનારી બાબત એ જાણવા મળી છે કે ભારતમાં તેમજ વિદેશમાં સક્રિય ત્રાસવાદી તત્ત્વો દુનિયાભરમાં ફેલાયેલા એમના સાગરિતો સાથે સંદેશવ્યવહાર કરવા માટે એક વધારે સુરક્ષિત ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે જેનું નામ છે થ્રીમા. આ સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત કંપનીની મેસેજિંગ એપ વાપરનારનો પત્તો લગાવી શકાતો નથી. આ એપનો યુઝર કોઈ પણ પ્રકારની ડિજિટલ ફૂટપ્રિન્ટ હાથ લાગતી નથી. આ જાણકારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક તપાસ દરમિયાન પ્રાપ્ત થઈ છે. થ્રીમામાં ફોન નંબર કે વ્યક્તિની ઓળખ અંગેની અન્ય અંગત માહિતી આપવાની જરૂર પડતી નથી.
એનઆઈએ એજન્સીના અધિકારીઓ ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને સિરીયા ખોરાસન પ્રોવિન્સ (આઈએસઆઈએસ-કેપી) સંગઠનને લગતા એક કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે એમને જાણવા મળ્યું હતું કે એમણે પકડેલા જહાંઝૈબ સમી વાની અને એની પત્ની હિના બશીર બેગ તથા બેંગલુરુ-સ્થિત એક ડોક્ટર અબ્દુર રેહમાન ઉર્ફે ‘ડોક્ટર બ્રેવ’ સિક્યોરિડ મેસેજિંગ પ્લેટફોર્મ થ્રીમાનો ઉપયોગ કરતા હતા. વાની અને બેગની 2020ના માર્ચમાં ધરપકડ કરાઈ હતી જ્યારે રેહમાનને ગયા ઓગસ્ટમાં પકડવામાં આવ્યો હતો. રેહમાન થ્રીમા એપ મારફત સમી સહિત ભારતમાં તેમજ વિદેશમાંથી કાર્યરત ISISના ત્રાસવાદીઓ સાથે થ્રીમા મારફત નિયમિત રીતે સંપર્કમાં રહેતો હતો.