નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે એક રેગ્યૂલેટરી ઓર્ડર બહાર પાડ્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે વિદેશમાં નિર્મિત રસીઓના ઉત્પાદકો એમની રસીને ભારતમાં તાકીદના (મર્યાદિત) ઉપયોગમાં લેવા માટે મંજૂરી માગશે તો અરજી સુપરત કરાયાની તારીખથી ત્રણ કામકાજના દિવસોની અંદર જ ભારતની રેગ્યૂલેટર એજન્સી નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાવાઈરસના ફેલાવાની બીજી લહેરમાં અસંખ્ય નવા કેસ નોંધાઈ રહ્યા છે અને ખૂબ ભયજનક ઝડપે વધી રહ્યા છે તેથી વધુ ને વધુ લોકોને રસી આપવાની જરૂર ઊભી થઈ છે. આ સંજોગોને કારણે કેન્દ્ર સરકારે વિદેશી રસીઓને મંજૂરી આપવા માટે ઉપર મુજબનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલ બે રસી આપવામાં આવી રહી છેઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન. રશિયામાં નિર્મિત સ્પુટનિક-વી રસીને પણ મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. હૈદરાબાદસ્થિત ડો. રેડીઝ લેબોરેટરીઝ કંપની એપ્રિલ-જૂન વચ્ચે રશિયન રસીના 25 કરોડ ડોઝની જથ્થાબંધ આયાત કરશે. તે ઉપરાંત જોન્સન એન્ડ જોન્સન, ફાઈઝર, મોડર્ના, ઝાયડસ કેડિલા અને નોવાવેક્સ કંપનીઓની રસીઓને પણ ભારતમાં તાકીદના ઉપયોગ માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.
