બેન્ક જોબથી ચાલતા ઘરોમાં નિકાહ ન કરો: દારુલનો નવો ફતવો

નવી દિલ્હી- દેશની પ્રમુખ ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે હાલમાં જ એક નવો ફતવો જારી કર્યો છે. ફતવામાં જણાવવામાં આવ્યું છે કે, બેન્કની નોકરીથી ચાલતા ઘરોમાં નિકાહ કરવો નહીં. દારુલ ઉલુમના ફતવા વિભાગ ‘દારુલ ઈફ્તા’એ ગતરોજ આ ફતવો જારી કર્યો છે.

એક વ્યક્તિ દ્વારા સવાલ પુછવામાં આવ્યો હતો કે, તેના નિકાહ માટે કેટલાંક ઘરોમાંથી પ્રસ્તાવ આવ્યો છે, જ્યાં કન્યાના પિતા બેન્કમાં જોબ કરે છે. અને બેન્કિંગ સેક્ટર વ્યાજ પર ચાલતું સેક્ટર છે અને ઈસ્લામમાં વ્યાજની આવકને હરામ માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં શું એવા ઘરોમાં નિકાહ કરી શકાય કે નહીં?

આ સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું કે, આવા પરિવારમાં નિકાહ કરવાથી દુર રહેવામાં આવે. ફતવામાં જણાવવામાં આવ્યું છે કે, હરામના પૈસાથી ઉછેર થયેલા લોકો સામાન્ય રીતે અસહજ પ્રવૃત્તિના અને નૈતિક રીતે સારા નથી હોતા. જેથી આવા પરિવારોમાં નિકાહ કરવાથી બચવું જોઈએ અને કોઈ સારા પરિવારમાં નિકાહ કરવા જોઈએ.

ઈસ્લામિક કાયદો અને શરીયતમાં વ્યાજ વસૂલી માટે રુપિયા આપવા અને લેવા હરામ માનવામાં આવે છે. આ ઉપરાંત આવા વ્યવસાયમાં રોકાણ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે જેમાં વ્યાજ અથવા હરામના રુપિયાની લેવડદેવડ કરવામાં આવતી હોય.

ઈસ્લામ મુજબ પૈસાનું પોતાનું કોઈ જ સ્વાભાવિક મુલ્ય નથી, જેથી તેને લાભ મેળવવા વ્યાજ પર આપી અથવા લઈ શકાય નહીં. તેનો ઉપયોગ ફક્ત શરીયત પ્રમાણે જ કરવો જોઈએ. આપને જણાવી દઈએ કે, વિશ્વના કેટલાંક દેશોમાં ઈસ્લામિક બેન્ક વ્યાજ મુક્ત બેન્કિંગના સિદ્ધાંતો પર કાર્ય કરે છે.