સીબીઆઈ કોર્ટ લાલુપ્રસાદ યાદવ સહિત 16ને શુક્રવારે સંભળાવશે સજા

રાંચી– સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટ બહુચર્ચિત ઘાસચારા કૌભાંડના મામલે આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ સહિત 16 દોષીઓને શુક્રવારે સજા સંભળાવશે. ખરેખર લાલુ પ્રસાદ યાદવને સજા બુધવારે સંભળાવાની હતી, પણ વકિલ વેન્દીશ્વરી પ્રસાદના અવસાનને પગલે સજાનું એલાન ગુરુવાર પર છોડવામાં આવ્યું હતું. હવે શુક્રવારે રાંચીની સ્પેશિયલ CBI કોર્ટ જા સંભળાવશે. લાલુપ્રસાદ યાદવ હાલ ન્યાયિક કસ્ટડીમાં બિરસા મુંડા જેલમાં છે.વીતેલા વર્ષના 24 ડિસેમ્બરે સીબીઆઈ જજે 1990-94ની વચ્ચે દેવધરના સરકારી કોષાગારમાંથી 89.27 લાખ રૂપિયાના ગેરકાયદે ઉપાડ મામલે લાલુ પ્રસાદ યાદવને દોષી જાહેર કર્યા હતા. આ મામલામાં કોર્ટે 22 આરોપીઓમાંથી 6 આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. જેમાં રાજ્યના વધુ એક પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રનો સમાવેશ થાય છે. લાલુ સહિત દોષી ઠરાવાયેલા તમામ 16 લોકોને બિરસા મુંડા જેલમાં મોકલી દેવાયા હતા.

આ સાથે સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટે આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહ, તેજસ્વી યાદવ અને મનોજ ઝાને કોર્ટના તિરસ્કાર બદલ સમન્સ મોકલ્યું છે. તેમને 23 જાન્યુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે.