UPSCના મશહૂર શિક્ષક અવધ ઓઝા AAP પાર્ટીમાં સામેલ

નવી દિલ્હીઃ UPSCવાળા મશહૂર શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝાએ દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવી લીધું છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઝંપલાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. મનીષ સિસોદિયા પણ એ દરમ્યાન હાજર રહ્યા હતા. તેઓ દિલ્હીની કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે.

આ પહેલાં ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી અવધ ઓઝા વિશે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ લોકસભાની ચૂંટણી લડે એવી શક્યતા  છે. તેઓ પ્રયાગરાજથી લોકસભાની ટિકિટ મેળવવા માટે ભાજપના સંપર્કમાં હતા. પરંતુ તે વખતે મામલો ફાઇનલ થઇ શક્યો ન હતો.

કોણ છે અવધ ઓઝા?

UPSCની તૈયારી કરાવતા જાણીતા શિક્ષક અવધ ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે. તેઓ એક શિક્ષક તેમ જ મોટિવેશનલ સ્પીકર પણ છે. સોશિયલ મિડિયા પર અને યુવાનોમાં તેમની સારી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીને આશા છે કે તેમના પાર્ટીમાં જોડાવાથી ચૂંટણીમાં મોટો ફાયદો થશે. અવધ ઓઝાએ અનેક વખતે અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા.

તેમનું સપનું હતું કે તેઓ વહીવટી અધિકારી બને. ઓઝા સંઘની લોકસેવા સેવા પંચની તૈયારી કરતા હતા, પણ તેમાં તેઓ સફળ ના થઈ શક્યા. ત્યારે બાદ વર્ષ 2022માં એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ક્યારેય પણ ચૂંટણી નહીં લડે. ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે જો રાજ્યસભાની કોઈ ઓફર આવશે તો એનો પણ તેઓ ઇનકાર કરી દેશે.