નવી દિલ્હી: પોલીસ કર્મચારીઓને મારવા સામે તીસ હજારી અને સાકેત અદાલતમાં વકીલો સામે વિરોધ પ્રદર્શન કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. આઈટીઓમાં પોલીસ મથકની બહાર લગભગ 15,000 પોલીસકર્મીઓ પહોંચી ચૂક્યાં છે અને વિરોધ દર્શાવતાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. સમગ્ર આરટીઓ આસપાસ પોલીસ જ પોલીસ રસ્તાઓ પર નજરે ચડી રહી છે.
પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સામે ધરણાં કરી રહેલા પોલીસકર્મીઓએ મોરચો ખોલ્યો છે. પોલીસ કમિશનર હવે રાજીનામું આપે તેવા નારા લગાવતા પોલીસ કર્મચારીઓ સૂત્રો પોકારી રહ્યાં છે. અમૂલ્ય પટનાયકને ભારે જહેમત બાદ પોલીસ હેડક્વાર્ટરની બહાર લઈ જવામાં આવ્યાં હતાં. પોલીસ જવાનોએ ઘોષણા કરી છે કે દિલ્હી પોલીસ હેડક્વાર્ટરના કાર્યક્રમ પછી પણ કોઈ પોલીસ જવાન ઘેર નહીં જાય. તેમના પરિવારની મહિલાઓ અને બાળકો પણ ઇન્ડિયા ગેટ પર પહોંચી રહ્યાં છે..
સવારથી જ પોલીસકર્મીઓ દેખાવો કરી રહ્યાં છે.બીજી તરફ, મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટમાં પોલીસકર્મીઓને માર મારવાના કેસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. એક એફઆઈઆર પીડિત પોલીસ અધિકારીની ફરિયાદ પર નોંધવામાં આવી હતી જ્યારે બીજી એક ઓટો ડ્રાઈવરની ફરિયાદ પર નોંધાઈ હતી.
સોમવારે તીસ હજારી કોર્ટમાં હિંસક અથડામણ બાદ સાકેત કોર્ટની બહાર વકીલ દ્વારા બાઇક સવાર પોલીસને માર મારવાનો વિરોધ કરી રહેલાં પોલીસકર્મીઓ આરટીઓ ખાતે પોલીસ હેડક્વાર્ટરની બહાર ધરણાં પર બેઠાં છે. તેઓ ‘અમને ન્યાય જોઈએ છે’ ના નારા લગાવી રહ્યાં છે.
પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે દિલ્હી પોલીસ તેના મુખ્યમથકની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. સવારે 9 વાગ્યાથી લઇને દિલ્હી પોલીસના હજારો કર્મચારીઓ જોરશોરથી પ્રદર્શન કરી રહ્યાં છે. જેના કારણે આઈટીઓ પર ભારે જામ થઈ ગયો છે. મુખ્યાલયનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ન તો કોઈ અધિકારી બહાર નીકળી શકે છે કે ન કોઇ અંદર જઈ શકે છે.સવારે નવ વાગ્યે નિવૃત્ત પોલીસ જવાનો ઉપરાંત દિલ્હી પોલીસમાં હાજર પોલીસ કર્મચારીઓ અને પરિવારના સભ્યો પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યાં હતાં. તેઓ કહે છે કે અમે પણ માણસો છીએ. અમારા પર કેમ હુમલો કરવામાં આવી રહ્યો છે? પોલીસકર્મીઓની માગ છે કે તેમના વડા સુપર કોપ કિરણ બેદી અને દીપક મિશ્રા જેવા હોવા જોઈએ.
બીજી તરફ થર્ડ બટાલિયનના પોલીસ કર્મચારીઓ પણ વિકાસપુરીમાં વિરોધ કાર્યક્રમ કરી રહ્યાં છે. દિલ્હી પોલીસની આ બટાલિયન કેદીઓને જેલથી કોર્ટમાં લઇ જાય છે અને કોર્ટમાં પણ જે લોકઅપ હોય છે તેની સુરક્ષાની જવાબદારી હોય છે. આજે આખી બટાલિયનના કર્મીઓએ તેમના હાથમાં કાળી પટ્ટી બાંધી દીધી છે અને વકીલોની હિંસાનો વિરોધ કરી રહ્યાં છે.
આપને જણાવીએ કે 2 નવેમ્બરે તીસ હજારી કોર્ટ સંકુલમાં લોકઅપની બહાર કાર પાર્ક કરવા અંગે વકીલો અને પોલીસ વચ્ચેની બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. આ અથડામણમાં કેટલાક વકીલો સહિત ઘણા પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસે આરોપ મૂક્યો છે કે સોમવારે પણ વકીલોએ સાકેત કોર્ટમાં પોલીસકર્મીને માર માર્યો હતો. આ કેસમાં પોલીસકર્મી અને ઓટો ચાલકને માર મારવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
તીસ હજારી કોર્ટમાં હિંસક અથડામણના કેસમાં હાઈકોર્ટના આદેશથી બે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.