અયોધ્યાના ચૂકાદા પહેલાં નેપાળના રસ્તે ભારતમાં 7 આતંકીઓ ઘૂસ્યા?

લખનઉઃ ભગવાન શ્રીરામની જન્મભૂમિના વિવાદ પર ચૂકાદો આવે તે પહેલાં ઉત્તર પ્રદેશમાં આતંકી ઘટના બનવાની સંભાવના છે. આ પ્રકારના ઈનપુટ મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. નેપાળના રસ્તે 7 આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યાં હોવાના ઈનપુટને પગલે મહરાજગંજ બોર્ડરની સાથે તેની આસપાસના ક્ષેત્રોમાં તપાસ ઝડપી બની છે.

શ્રીરામ જન્મભૂમિના લાંબા વિવાદ પર ચૂકાદો આવે તે પહેલાં માહોલ બગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓની પાસે ઈનપુટ છે કે આતંકીઓ ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એક અહેવાલ મુજબ આતંકવાદીઓનું એક જૂથ નેપાળના રસ્તે ભારતમાં ઘૂસ્યું છે. તેમની સંખ્યા સાત છે. તેમાંથી 3 પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત પહોંચ્યાં છે. મનાઈ રહ્યું છે કે તેઓ ગોરખપુર અથવા તો તેની આસપાસના વિસ્તારોમાં છુપાઈ શકે છે. અહીંયા તેમને અયોધ્યા પહોંચવું વધુ સરળ થઈ શકે તેમ છે. આતંકી હુમલાનું એલર્ટ જાહેર થયાં પછી પ્રદેશના જિલ્લામાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત અને ચોક્કસાઈ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને અયોધ્યા, વારાણસી, મથુરા અને પ્રદેશના પોલીસ ટ્રેનિંગના સેન્ટરોની સુરક્ષા વધારી દેવા કહેવાયું છે.

ગુપ્તચર એન્જસીઓ અનુસાર સાત આતંકવાદીનું એક જૂથ નેપાળના રસ્તે ઉત્તરપ્રદેશ આવી ગયું છે. જેમાં 7 આતંકવાદીઓના ગ્રુપમાં એક પાકિસ્તાની આતંકી પણ છે. જેમાંથી 5 આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. જેમાં મોહમ્મદ યાકૂબ, અબુ હમજા, મોહમ્મદ શાહબાજ, નિસાર અહમદ અને મોહમ્મદ કૌમી ચૌધરી અયોધ્યા અને ગોરખપુરમાં છુપાયાં હોવાની આશંકા છે. અયોધ્યા કેસનો ચૂકાદો આવે તે પહેલાં ઉત્તરપ્રદેશમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગુપ્તચર એજન્સીઓએ યુપી પોલીસને ભારત-નેપાળ સરહદથી આતંકીઓની ઘૂસણખોરીના ઈનપુટ પહેલાં પણ આપ્યાં હતા.

પ્રદેશ એટીએસે ગુપ્તચર એજન્સીઓના એલર્ટને ગંભીરતાથી લીધું છે. જે પછી ભારત-નેપાળ સરહદ પર આવતાં અને જતાં લોકો પર નજર રાખવામાં આવી રહી છે. તેની સાથે જે નેપાળ સરહદ પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ આતંકી હુમલાના એલર્ટને પણ અયોધ્યા કેસ પર આવનાર ચૂકાદાની સાથે જોડીને જોવાઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની લાંબી સુનાવણી પછી હવે અયોધ્યા જમીન વિવાદ પર ચૂકાદાની રાહ જોવાઈ રહી છે. 17 નવેમ્બર પહેલાં ગમે ત્યારે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપી શકે તેવી સંભાવના છે. આ દરમિયાન વાતાવરણ બગાડી શકે તેવા લોકો પર પણ નજર રખાઈ રહી છે. હાલમાં અયોધ્યા જિલ્લાની બોર્ડર પર પણ ચારે તરફી નજર રખાઈ રહી છે. વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે. કેન્દ્રીય સુરક્ષા જવાનોને પણ મોટી સંખ્યામાં અયોધ્યામાં તૈનાત કરી દેવાયાં છે.