નવી દિલ્હીઃ બાલાસોર ટ્રેન દુર્ઘટના થયા પછી રેલવેએ સિગ્નલ સિસ્ટમ તપાસવાની દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. આ દુર્ઘટના સિગ્નલ સિસ્ટમમાં છેડછાડને કારણે થવાની શક્યતા છે. જોકે એનાં વાસ્તવિક કારણો આવવામાં સમય લાગશે. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે 2020-21માં ભારતીય રેલવે પરનો ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મુજબ 2017-18થી 2020-21ની વચ્ચે 217 દુર્ઘટનાઓ થઈ હતી. એમાંથી 163 (75 ટકા) ટ્રેનો ડિરેલમેન્ટ થઈ હતી. 42 ટકા દુર્ઘટનાઓ પાટાના મરામતની સમસ્યાઓને કારણે થઈ હતી.
રેલવે સેફ્ટીને લઈને નાણાપ્રધાને બજેટમાં કહ્યું હતું કે રૂ. એક લાખ કરોડની સાથે રાષ્ટ્રીય રેલ સુરક્ષા ભંડાર બનાવવામાં આવશે. એના માટે પાંચ વર્ષ સુધી રૂ. 20-20,000 કરોડ ફાળવવાના હતા, જેમાં રૂ. 15,000 કરોડ સરકાર આપશે, જ્યારે રેલવે તેનાં સંસાધનો થકી રૂ. 5000 કરોડ ઊભા કરશે. રિપોર્ટ મુજબ રેલવે આ રકમ ઊભી નહોતી કરી શકી.
ભારતમાં ટ્રેનોની સરેરાશ ઝડપ આશરે પ્રતિ કલાક 50 છે. રેલવે બોર્ડે 2017-18માં પાંચ વર્ષમાં પ્રતિ કલાક 75 કિમી સુધીની ઝડપ વધારવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ એ થયું નથી.
પ્રગતિ ખૂબ ધીમી
ચીન સાથે ભારતની તુલના કરીએ તો 1950માં ચીનનું રેલવે નેટવર્ક માત્ર 21,800 કિમી હતું. એ સમયે ભારતીય રેલ લાઇનોની કુલ લંબાઈ બે ગણીથી પણ વધુ 53,596 કિમી હતી.
50 વર્ષથી પણ ઓછા સમયમાં ચીને ભારતને પાછળ છોડી દીધું છે. 1997માં ભારતમાં કુલ 62,900 કિમી લાંબું રેલ નેટવર્ક હતું, જ્યારે ચીનનો એ આંકડો 66,000 કિમી થઈ ગયો હતો. ચીનમાં આજે રેલવે લાઇનોની લંબાઈ 1,55,000 કિમી થઈ ચૂકી છે, જ્યારે ભારતમાં 68,100 લાંબી રેલ નેટવર્ક થઈ ચૂક્યું છે.