નવી દિલ્હી – દેશના પાંચ રાજ્યો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે સમય છે, એક્ઝિટ પોલ્સનો.
આ પાંચ રાજ્યોની ચૂંટણીને રાજકીય પંડિતો 2019ની લોકસભા ચૂંટણી પૂર્વેના સેમી ફાઈનલ રાઉન્ડ જેવી ગણાવે છે.
છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બરે, એમ બે તબક્કામાં મતદાન થયું હતું જ્યારે મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન કરાયું હતું.
રાજસ્થાન અને તેલંગાણામાં આજે લોકોએ મતદાન કર્યું હતું. તેલંગાણાએ રાજ્યનો દરજ્જો મેળવ્યા બાદ આ પહેલી જ વાર ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. જ્યારે છત્તીસગઢ, મિઝોરમ અને મધ્ય પ્રદેશમાં અગાઉ મતદાન યોજવામાં આવ્યું હતું. પાંચેય રાજ્યોમાં મતગણતરી અને પરિણામ માટે 11 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે વિવિધ ન્યૂઝ ચેનલો, પ્રકાશનો માટે એક્ઝિટ પોલ્સ જાહેર કરવા અંગે 12 નવેમ્બરના સવારે 7 વાગ્યાથી લઈને 7 ડિસેમ્બરે સાંજે 5.30 વાગ્યા સુધી લગભગ એક મહિના સુધીનો પ્રતિબંધ મૂક્યો હતો, જેનો આજે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાનની સમાપ્તિ સાથે અંત આવી ગયો છે. આ સાથે જ પાંચેય રાજ્યો માટે વિવિધ પ્રકારના એક્ઝિટ પોલ્સની વિગતો બહાર આવી રહી છે. જે નીચે મુજબ છેઃ
- ન્યૂઝ 24-પેસ મિડિયા એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસ આ વખતે ભાજપને હરાવશે. કોંગ્રેસને 45-51 બેઠક મળશે, ભાજપને 36-42. (બહુમતી માટે 46 બેઠક જીતવી પડે)
- ટાઈમ્સ નાઉ-સીએનએક્સ એક્ઝિટ પોલ કહે છે, 230 બેઠકોની મધ્ય પ્રદેશ વિધાનસભામાં, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે. ભાજપને 126 બેઠક મળશે જ્યારે કોંગ્રેસ 89માં વિજયી થશે. અન્યોને 9 બેઠક મળશે.
- ટાઈમ્સ નાઉ-સીએનએક્સ એક્ઝિટ પોલનો અંદાજ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસને 105 બેઠક મળશે, ભાજપને 85 બેઠક, બીએસપીને 2 બેઠક મળશે.
- ટાઈમ્સ નાઉ-સીએનએક્સ એક્ઝિટ પોલના અંદાજ અનુસાર, તેલંગાણામાં ટીઆરએસ પાર્ટી 66 બેઠક જીતીને સત્તા મેળવશે અને કોંગ્રેસ તથા સાથી પક્ષોને 37 બેઠક મળશે, ભાજપને 7 તથા અન્યોને બે બેઠક મળશે.
- છત્તીસગઢ માટે CSDS એક્ઝિટ પોલનું તારણ એવું છે કે ત્યાં શાસક ભાજપ 44 બેઠક જીતશે અને કોંગ્રેસને 40 તથા અન્યોને 6 બેઠક મળશે.
- ઈશાન ભારતના મિઝોરમ રાજ્યના ચૂંટણી પરિણામ વિશે રીપબ્લિક ટીવી-સીવોટરના એક્ઝિટ પોલનું એવું તારણ છે કે મિઝો નેશનલ ફ્રન્ટને 16-20 બેઠક મળશે, કોંગ્રેસને 14-18 બેઠક મળવાની ધારણા છે. તો ઝેડપીએમને 3-7 તથા અન્યોને 3 બેઠક મળવાની ધારણા છે.
- રાજસ્થાન માટે એક્સિસ એક્ઝિટ પોલ કહે છે, કોંગ્રેસને 130 બેઠક મળશે, ભાજપને 63, બીએસપીને 1 બેઠક મળશે.
- મધ્ય પ્રદેશ માટે જન કી બાત એક્ઝિટ પોલનો કહે છે, ભાજપને 118 બેઠક મળશે, કોંગ્રેસને ફાળે 105 બેઠક જશે.