દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની વરણી

નવી દિલ્હીઃ  સરકારે ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનને નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હશે. કૃષ્ણમૂર્તિ અરવિંદ સુબ્રમણ્યનની જગ્યાએ પોતાની સેવા આપશે. અરવિંદ સુબ્રમણ્યને આ વર્ષે જૂલાઈમાં કોઈ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દિધું હતું.

અત્યારે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના અસોસિએટ પ્રોફેસર અને સેન્ટર ફોર એનાલિટિકલ ફાઈનાન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. સુબ્રમણ્યન શિકાગોથી પીએચડી છે અને આઈઆઈટી અને આઈઆઈએમના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. સુબ્રમણ્યમની ગણતરી દુનિયાના ઉચ્ચ કોટિના બેંકિંગ, કોર્પોરેટ ગવર્નન્સ અને ઈકોનોમિક પોલિસી એક્સપર્ટમાં થાય છે.

તેમને સેબીના કોર્પોરેટ ગવર્નન્સની એક્સપર્ટ કમિટી અને આરબીઆઈ માટે બેંકોના ગવર્નન્સનું કામ કરનારી કમિટીનો ભાગ હોવાની સાથે કોર્પોરેટ ગવર્નન્સ અને ભારતમાં બેંકિંગ રિફોર્મ્સ માટે ઓળખવામાં આવે છે. આ તમામ ક્ષેત્રોમાં તેમની સેવાઓના કારણે તેમને આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.


સુબ્રમણ્યન વૈકલ્પિક રોકાણ નીતિ, પ્રાથમિક બજાર, માધ્યમિક બજાર અને રિસર્ચ પર બનેલી સેબીની કમિટીનો એક ભાગ પણ રહી ચૂક્યા છે.

એકેડમિક કરિયરની શરુઆત પહેલા સુબ્રમણ્યન ન્યૂ યોર્કમાં જેપી મોર્ગન ચેઝ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ આઈસીઆઈસીઆઈના એલાઈટ ડેરિવેટિવ્સ ગ્રુપમાં મેનેજમેન્ટ રોલમાં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.