રાજસ્થાનમાં 72 ટકા અને તેલંગાણામાં સરેરાશ 67 ટકા મતદાન

નવી દિલ્હી- તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો આજે મતદાન યોજાયું હતું, જેમાં 2.80 કરોડ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું હતું. ચૂંટણી પંચના આંકડા અનુસાર તેલંગાણામાં સરેરાશ 67 ટકા મતદાન નોંધાયું છે. ગત ચૂંટણીમાં 69.5 ટકા રેકોર્ડબ્રેક મતદાન થયું હતું. આ લખાઈ રહ્યું ત્યારે કેટલાક મતદાન મથકો પર મતદાન ચાલુ છે.

રાજ્યમાં 1,821 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. રાજ્યમાં સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતું, અને સાંજે 5 કલાકે મતદાન પૂર્ણ થયું હતું. નકસલ પ્રભાવિત 13 બેઠકો પર એક કલાક વહેલા એટલે કે સાંજે 4.00 કલાકે મતદાન પૂર્ણ થઈ ગયું હતું. ચૂંટણી સુરક્ષા વ્યવસ્થા માટે 1 લાખ પોલીસ કર્મચારીઓ, 25,000 કેન્દ્રીય અર્ધળશ્કરી દળના જવાન અને 20,000 અન્ય રાજ્યોનાં જવાનોને ચૂંટણી ડ્યુટીમાં તૈનાત કરવામાં આવ્યાં હતાં.

 રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી:

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. રાજસ્થાનની કુલ 199 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. ચૂંટણીપંચના આંકડા અનુસાર રાજસ્થાનમાં સરેરાશ 70 ટકા મતદાન નોંધાયું છે. મતદાન દરમિયાન અનેક જગ્યાએ ઈવીએમ ખરાબ થયાં હતાં. બીકાનેર અને જયપુરમાં EVM મશીન ખરાબ થયાં હતાં. જેથી થોડાવાર માટે મતદાન રોકવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે. પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠકના બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે ચૂંટણી પંચે મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.