નવી દિલ્હીઃ આર્થિક રૂપથી પછાત વર્ગને લઈને 10 ટકા અનામતને મામલે સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નિર્ણય પર મહોર લગાવી છે. મુખ્ય જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતાં 3-2થી મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે EWS (Economically Weaker Sections)ના લોકોને 10 ટકા અનામત આપવાના 103મા બંધારણના સંશોધનની કાયદેસરતાને યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે આર્થિક આધારે અનામત જારી રહેશે. કોર્ટે કહ્યું હતું કે બંધારણના પાયાના માળખાનું ઉલ્લંઘન નથી થયું એ સાથે આ અનામતની સામેની અરજીઓને ફગાવી દેવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતું કે EWS ક્વોટા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ષો માટેના 50 ટકા ક્વોટાને અડચણરૂપ નથી કરતો. EWS ક્વોટાથી સામાન્ય વર્ગના ગરીબોને લાભ થશે. EWS ક્વોટા કાયદાની સમક્ષ સમાનતા અને ધર્મ, જાતિ, વર્ગ, લિંગ અથવા જન્મસ્થાનને આધારે અને રોજગારીમાં સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન નથી કરતો.
50 ટકાથી વધુ અનામત થવા પર EWSને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આને કેન્દ્ર સરકારની મોટી જીત માનવામાં આવી રહી છે. કોર્ટના આ ચુકાદા પછી હવે સવર્ણોને આર્થિક આધારે 10 ટકા અનામત મળતી રહેશે.
શું છે મામલો?
વર્ષ 2019માં સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે 30થી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જેના પર 27 સપ્ટેમ્બરે સુનાવણી પછી કોર્ટમાં ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.