નવી દિલ્હીઃ રેલવેને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે. કરોડો લોકો ટ્રેનથી પ્રવાસ કરે છે. હાલના દિવસોમાં ગરમી સીઝન ચાલી રહી છે અને વેકેશનમાં કન્ફર્મ ટિકિટની મારામારી થાય છે. જેથી આગામી પાંચ વર્ષમાં જે યાત્રી ટ્રેન દ્વારા પ્રવાસ કરવા ઇચ્છે છે, એ બધા પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળશે, એ મોદીની ગેરંટી છે, એમ રેલવે મંત્રી અને IT પ્રધાન અશ્વિની વૈષ્ણવએ કહ્યું હતું.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષોમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં રેલવેમાં ભારે બદલાવ આવ્યો છે. આગામી પાંચ વર્ષોમાં વડા પ્રધાન મોદીની ગેરન્ટી છે કે રેલવેની ક્ષમતા એટલી વધી જશે કે યાત્રા કરવાવાળા દરેક યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળી શકે.
તેમણે કહ્યું હતું કે ટ્રેક બનાવવાની પ્રક્રિયામાં 2004થી 2014ની વચ્ચે આશરે 17,000 કિલોમીટરની ટ્રેક બનાવવામાં આવી હતી, જ્યારે 2014થી 2014 સુધી 31,000 કિલોમીટર નવા ટ્રેક બનાવવામાં આવ્યા હતા. 2004થી 2014 સુધી 5000 કિલોમીટર રેલવે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે છેલ્લાં 10 વર્ષોમાં 44,000 કિલોમીટરનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. 2004થી 2014 સુધીમાં માત્ર 32,000 કોચ બનાવવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લાં 10 વર્ષોમાં 54,000 કોચ બનાવવામાં આવ્યા હતા. આગામી પાંચ દેશના અર્થતંત્રના વિકાસમાં મજબૂત રેલવેને વધુ મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને યાત્રીઓની સુવિધાઓનો ઝડપથી વિસ્તરણ કરવામાં આવશે.