1 મેથી 18-વર્ષની ઉપરનાને પણ કોરોના-રસી અપાશે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસના રોગચાળાના ફેલાવાએ જે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે એને કારણે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આવતી 1 મેથી 18-વર્ષની ઉપરના તમામ લોકોને પણ કોરોના-પ્રતિબંધાત્મક રસી આપવી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે અહીં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રસી ઉત્પાદક કંપનીઓ એમના માસિક સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (સીડીએલ)ની 50 ટકા સપ્લાય કેન્દ્ર સરકારને આપશે અને બાકીના 50 ટકા ડોઝ રાજ્ય સરકારોને સપ્લાય કરવા મુક્ત રહેશે. આ ઉપરાંત રસી ઉત્પાદકો ખુલ્લી બજારમાં પણ રસી વેચી શકશે.