નવી દિલ્હીઃ EPFના સભ્યો લાંબા સમયથી લઘુતમ પેન્શન વધારવાની માગ કરી રહ્યા છે. સમયાંતરે આ પ્રકારની માગ સામે આવતી રહે છે. જોકે અત્યાર સુધી સરકારે કોઈ પણ પ્રકારનું વલણ સ્પષ્ટ નથી કર્યું, પણ હવે મોદી સરકાર આ મુદ્દે પેન્શન વધારવા પર વિચાર કરી રહી છે.
લોકસભામાં સાંસદ ઉમ્મેદારામ બેનિવાલે સરકારને સવાલ કર્યો હતો કે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હેઠળ લઘુતમ પેન્શનને વધારવા કોઈ વિચાર કરવામાં આવી રહ્યો છે? એ સિવાય તેમણે પેન્શન કેટલું વધારી શકાય છે અને એમાં ફેરફારની ટાઇમલાઇન પર સરકાર પાસે જવાબ માગ્યો હતો.
આ સવાલના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું હતું કે લઘુતમ પેન્શન વધારવા માટે કહ્યું હતું કે ફંડનું મૂલ્યાંકન વાર્ષિક કરવામાં આવે છે. જો ફંડની સ્થિતિ સારી હોય તો વધારાની રાહતની ચુકવણી કરવામાં આવે છે અને વ્યાપક માગને ધ્યાનમાં રાખતાં બજેટરી સહાય પ્રદાન કરીને લઘુતમ પેન્શન વધારીને રૂ. 1000 પ્રતિ મહિને કરવામાં આવ્યું છે.
EPF હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને EPS-1995 યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે EPS ફંડમાં તેમનું યોગદાન વધારવાનો વિકલ્પ આપવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.સુપ્રીમ કોર્ટના નિર્ણયના સંદર્ભમાં એક તરફ EPF હેઠળ લોકોને ઉચ્ચ પેન્શન મળવા લાગ્યું છે. બીજી તરફ વર્ષોની નોકરી પછી પણ કેટલાક લોકોને પેન્શન ઓછું મળી રહ્યું છે. તેવામાં લાંબા ગાળાની સેવાને પણ એક ફેક્ટર બનાવાની જરૂર છે, જેનાથી આ પેન્શનને તર્કસંગત બનાવી શકાય. EPF હેઠળ લઘુતમ પેન્શન હાલ માત્ર 1000 રૂપિયા મહિના છે. સુધારાઓ હેઠળ તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધારાની શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મંત્રાલય તરફથી મળેલા સંકેતો અનુસાર તેને સન્માનજનક બનાવવા પર વિચારણા કરવામાં આવી રહી છે.